


પોરબંદર, 09 ઓક્ટોબર (હિ.સ.) : નશાબંધી
સપ્તાહ-2026 અંતર્ગત કુતિયાણા સ્થિત સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે નશાબંધી
પ્રસાર પ્રચાર અને જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. નશાબંધી અધિક્ષક પી.આર. ગોહિલના
માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક
કાર્યક્રમો, મહાનુભાવોના પ્રવચન તથા દારૂના
દૈત્યનું દહન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ મણીબેન દ્વારા નશાબંધી ખાતાનો પરિચય
તથા નશાબંધીના મહત્વ અંગે માહિતી આપીને
કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ
સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નશાબંધીનો સંદેશ
આપ્યો હતો.નશાબંધી સબ ઈન્સ્પેક્ટર બી.એમ. સોલંકીએ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અંગે
સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતે
વ્યસનથી દૂર રહેવા તેમજ પરિવાર, પાડોશી અને મિત્રો માંથી પાંચ લોકોને વ્યસન છોડાવવા માટે
પ્રતિજ્ઞા લેવડાવી હતી. પરિવારના સભ્યોને વ્યસનમુક્ત
કરાવવા અંગેના ઉદાહરણો પણ આપવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક હરેન્દ્રભાઈ ધામાએ આભારવિધિ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહી સાહિત્ય
અને અભ્યાસ તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ નશાબંધી સપ્તાહની
પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.નશાબંધી સપ્તાહ પૂર્ણ થયું હોવા છતાં વ્યસનમુક્તિ અને જનજાગૃતિનું મિશન સતત ચાલુ રહેશે તેમ નશાબંધી વિભાગે
જણાવ્યું છે.
નશાબંધી સપ્તાહ દરમિયાન સહયોગ આપનાર સંસ્થાઓ, એનજીઓ, સરકારી કચેરીઓ, પત્રકારો તથા તમામ વ્યક્તિઓનો નશાબંધી વિભાગ
દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya