
સુરત, 09 ઓક્ટોબર (હિ.સ.) સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા ગામ નજીક સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર વૃદ્ધ મહિલા સાથે મારપીટની ઘટના સામે આવી છે. વૃદ્ધાને સ્નાન કરાવતી વખતે તેમની પુત્રવધૂએ લાફા માર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને પગલે લોકોમાં નારાજગી ફેલાતાં સરથાણા પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુરુકુળમાં પ્યુન તરીકે કામ કરતો કર્મચારી પોતાના પરિવાર સાથે છત પરના રૂમમાં રહે છે અને વીડિયોમાં દેખાતી વૃદ્ધા તેની માતા છે. તેમની પુત્રવધૂ કિરણબેને મારપીટ કરી હોવાનું સામે આવતાં પોલીસે પતિ-પત્નીને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરી હતી. પાડોશમાં રહેતા એક વ્યક્તિએ સમગ્ર ઘટના પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી હતી, જેના કારણે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસ સમક્ષ કિરણબેને જણાવ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી સાસુની સંભાળ રાખે છે. તેમના કહેવા મુજબ, સાસુની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ છેલ્લા ચાર દિવસથી સ્નાન કરવાનો ઇનકાર કરી રહ્યાં હતાં. તેમને સ્નાન કરાવતી વખતે ગુસ્સામાં આવીને પોતાનો હાથ ઉપડી ગયો હોવાનું કિરણબેને સ્વીકાર્યું હતું. તેમણે પોતાની ભૂલ બદલ પોલીસ સમક્ષ માફી પણ માગી હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે