
પાટણ, 09 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લાના વદાણી (લક્ષ્મીપુરા) ગામમાં SOG અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વિના દવાખાનું ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. SOGને મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગના અધિકારીઓ વંદનાબેન ગૌસ્વામી, ફાર્માસિસ્ટ ભાવેશ પ્રજાપતિ અને હેલ્થ ઓફિસર જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતની ટીમે જુમ્મા મસ્જિદ પાસે આવેલી દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી હશન મીયા કાલુ શેખ (ઉંમર 60), રહે. કાલીબજાર, સામતપુરા, પાટણ, મળી આવ્યા હતા.
તપાસ દરમિયાન શેખે પોતે માત્ર ધોરણ 10 પાસ હોવાનું અને કોઈ માન્ય મેડિકલ ડિગ્રી ન હોવાનું કબૂલ્યું હતું. તેમ છતાં તે દરરોજ 10થી 20 દર્દીઓની તપાસ કરી એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી એલોપેથિક દવાઓ, સિરપ, ટેબ્લેટ્સ, એન્ટિબાયોટિક્સ અને ડિજિટલ બીપી મશીન સહિત કુલ રૂ. 16,749.49નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે વાગડોદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 319(2) તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, 1963ની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રામજી ચૌધરી કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ