
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ તાલુકાના ગઢકા ગામની મુલાકાતે પહોંચેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્થાનિક તાલુકા શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ કરીને સાદગીપૂર્ણ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. વહેલી સવારે તેમણે શાળાના બાળકો અને ગ્રામજનો સાથે યોગ અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ આરોગ્યપ્રદ જીવન અને પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગઢકા ગામમાં રોકાયેલા આચાર્ય દેવવ્રતે ગ્રામીણ જીવનની સાદગીને અનુરૂપ પંચાયત કે શાળાના સામાન્ય રૂમમાં રોકાવાની પોતાની પરંપરા જાળવી રાખી હતી. કોઈ ખાસ સુવિધાઓ વગર શાળાના ઓરડામાં રાત વિતાવીને તેમણે પાયાના સ્તરે લોકો સાથે જોડાઈને સાદગીનો પ્રત્યક્ષ દાખલો પૂરો પાડ્યો હતો.
બીજા દિવસે વહેલી સવારે તાલુકા શાળાના મેદાનમાં યોજાયેલા સત્રમાં તેમણે નિત્યક્રમ મુજબ વોર્મઅપ સાથે યોગાભ્યાસનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગામના લોકો જોડાયા હતા. સહુએ સાથે મળીને ભસ્ત્રિકા અને અનુલોમ-વિલોમ સહિતના પ્રાણાયામ તેમજ વિવિધ યોગાસનો કર્યા હતા.
યોગ અભ્યાસ દરમિયાન તેમણે યોગ અને પ્રાણાયામથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની વિગતવાર સમજ આપી હતી. તેમણે બાળકોને દૈનિક જીવનમાં યોગને નિયમિતપણે અપનાવવા પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીર જ સુખી જીવનનું મૂળ છે અને એક નિરોગી વ્યક્તિ સમાજ તેમજ દેશના વિકાસમાં વધુ શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે.
કાર્યક્રમ બાદ તેમણે ગઢકા તાલુકા શાળામાં તૈયાર કરવામાં આવેલા કિચન ગાર્ડનની રૂબરૂ મુલાકાત લીધી હતી. શાળા પરિસરમાં જ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉગાડવામાં આવતા તાજા શાકભાજી જોઈને તેમણે વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો અને શાળાના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt