પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાજકોટ જિલ્લાના ગુંદા ગામની મુલાકાત
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ગુંદા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂત રાજેશ લીંબાસીયાના મોડેલ ફાર્મ ''વિશ્વંતી નેચરલ્સ''ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગૌ દોહન કરીને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સીધો સ
પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ


રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) :

રાજકોટ જિલ્લાના ગુંદા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રગતિશીલ ખેડૂત રાજેશ લીંબાસીયાના મોડેલ ફાર્મ 'વિશ્વંતી નેચરલ્સ'ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગૌ દોહન કરીને ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે આસપાસના ૧૦૦થી વધુ ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી અપનાવવા પ્રેરણા આપી હતી તેમજ અનુસૂચિત જાતિના પરિબળના ઘરે અલ્પાહાર કરી સામાજિક સમરસતાનો સંદેશ પાઠવ્યો હતો.

ગુંદા ગામમાં રાજેશ લીંબાસીયાના ફાર્મ પર પહોંચીને આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરાતા ખાતર, વિવિધ પ્લાન્ટ તેમજ કીટકમુક્ત પાકનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યમાં ખેડૂતના યુવાન પુત્ર કેવિનની સક્રિય ભાગીદારી જોઈને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભાવિ પેઢીને જમીન અને પર્યાવરણના જતન માટે પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મુલાકાત દરમિયાન હાજર રહેલા ૧૦૦થી વધુ ખેડૂતો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી હોવાથી તેમણે ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને બહુવિધ પાક પદ્ધતિ અપનાવવા સલાહ આપી હતી. આ પદ્ધતિઓથી ખેતીનો ખર્ચ ઘટે છે.

ખેડૂતોને શરૂઆતમાં જમીનના નાના ટુકડા પર પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. રાજ્યમાં હાલ ૯ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કરી તેમણે ઓર્ગેનિક કાર્બન નિયમિત તપાસવા જણાવ્યું હતું. રાજ્યપાલના આ માર્ગદર્શનથી પ્રેરિત થઈને ઉપસ્થિત તમામ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ અપનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

કાર્યક્રમ બાદ તેમણે ગુંદા ગામના હીરા સાગઠીયાના ઘરે અલ્પાહાર કરી સામાજિક આત્મીયતા કેળવી હતી અને તે પરિવારને પણ ગૌપાલન તથા પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરિત કર્યા હતા. આ મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળીયા, કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande