સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પહેલ: 75 હજાર સ્ક્વેર ફૂટમાં નિર્મિત ‘વિશ્વાસ બિલ્ડિંગ’નું 8 જાન્યુઆરીએ મોરારીબાપુના હસ્તે લોકાર્પણ
- 2 કરોડથી વધુના માસિક ખર્ચે ચાલશે સંપૂર્ણ નિઃશુલ્ક સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, હૃદયરોગ, ન્યુરોલોજી અને બાળરોગ સહિતની અદ્યતન સારવારનો મળશે લાભ અમરેલી,09 ઓક્ટોબર (હિ.સ.) સાવરકુંડલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્
સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પહેલ: ૭૫ હજાર સ્ક્વેર ફૂટમાં નિર્મિત ‘વિશ્વાસ બિલ્ડિંગ’નું ૮ જાન્યુઆરીએ મોરારીબાપુના હસ્તે લોકાર્પણ


સાવરકુંડલામાં આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પહેલ: ૭૫ હજાર સ્ક્વેર ફૂટમાં નિર્મિત ‘વિશ્વાસ બિલ્ડિંગ’નું ૮ જાન્યુઆરીએ મોરારીબાપુના હસ્તે લોકાર્પણ


- 2 કરોડથી વધુના માસિક ખર્ચે ચાલશે સંપૂર્ણ નિઃશુલ્ક સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, હૃદયરોગ, ન્યુરોલોજી અને બાળરોગ સહિતની અદ્યતન સારવારનો મળશે લાભ

અમરેલી,09 ઓક્ટોબર (હિ.સ.) સાવરકુંડલા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે એક નવી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે 75 હજાર સ્ક્વેર ફૂટમાં નિર્મિત અદ્યતન ‘વિશ્વાસ બિલ્ડિંગ’નું લોકાર્પણ આગામી 8 જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ વિશ્વ વંદનીય મોરારીબાપુના હસ્તે કરવામાં આવશે. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલી આ સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આધુનિક તબીબી સુવિધાઓ સાથે જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવાનું સેવાકાર્ય વધુ વિસ્તૃત બનશે.

સંસ્થાના ટ્રસ્ટી હરેશ મહેતાએ જણાવ્યું હતું કે શ્રી લલ્લુભાઈ શેઠના સેવાકીય વિચારોને સાકાર કરવાના હેતુથી આરોગ્ય મંદિર દ્વારા વર્ષોથી માનવસેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. હવે નવનિર્મિત ‘વિશ્વાસ બિલ્ડિંગ’ કાર્યરત થતાં સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને વધુ અદ્યતન તબીબી સુવિધાઓનો લાભ મળી શકશે. ખાસ કરીને ગંભીર બીમારીઓની સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઘટે તે દિશામાં આ પહેલ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

નવી હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયોલોજી એટલે કે હૃદયરોગ, ન્યુરોલોજી એટલે કે મગજ અને ચેતાતંત્ર સંબંધિત રોગો તથા પીડિયાટ્રિક એટલે કે બાળરોગના વિભાગો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં જ અદ્યતન નર્સિંગ કોલેજ શરૂ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેનાથી દર્દીઓને સારવારની સુવિધા મળવાની સાથે તબીબી અને નર્સિંગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન અને તાલીમની તકો ઉપલબ્ધ થશે.

‘વિશ્વાસ બિલ્ડિંગ’માં અદ્યતન ‘ઘેલાણી સભાહગૃહ’ પણ બનાવવામાં આવ્યું છે. અહીં મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે સેમિનાર, તાલીમ કાર્યક્રમો અને પ્રેરણાદાયી વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવશે. આ સુવિધા આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે જ્ઞાન અને કૌશલ્યના વિકાસમાં ઉપયોગી બનશે.

આ આરોગ્ય મંદિરની વિશેષતા એ છે કે અહીં દર્દીઓ પાસેથી સારવાર માટે કોઈ રકમ લેવામાં આવતી નથી. સંસ્થાની માહિતી અનુસાર, અહીં કેશ કાઉન્ટર પણ રાખવામાં આવ્યું નથી. દર્દીઓને તપાસ, દવાઓ, સર્જરી અને ઓપરેશન સહિતની સારવાર સંપૂર્ણ નિઃશુલ્ક આપવામાં આવે છે. એટલું જ નહીં, સારવાર માટે આવતા દર્દીઓ અને તેમની સાથે રહેનારા સગા-સંબંધીઓ માટે પણ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં દરરોજ 1500 થી વધુ દર્દીઓ આ સેવાઓનો લાભ લઈ રહ્યા છે.

હાલમાં આરોગ્ય મંદિરનો માસિક સંચાલન ખર્ચ આશરે રૂ.1.4 કરોડ છે. નવી સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ સુવિધાઓ શરૂ થયા બાદ આ ખર્ચ વધીને માસિક રૂ. 2 કરોડથી વધુ થવાનો અંદાજ છે. ઈશ્વરની કૃપા, દાતાઓના સહયોગ અને મોરારીબાપુના આશીર્વાદથી આ સેવાયજ્ઞ આગળ વધી રહ્યો હોવાનું ટ્રસ્ટી હરેશ મહેતાએ જણાવ્યું હતું.

આગામી 8 જાન્યુઆરીએ યોજાનારા લોકાર્પણ મહોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે. સાવરકુંડલામાં નિઃશુલ્ક અને અદ્યતન આરોગ્યસેવાના વિસ્તરણની દિશામાં આ નવું ભવન મહત્ત્વપૂર્ણ બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande