
જુનાગઢ, 09 ઓક્ટોબર (હિ.સ.)
યુવા અવસ્થા એ માત્ર ઉંમરનો એક તબક્કો નથી, પણ એ ઉત્સાહ, ઊર્જા, કલ્પનાશીલતા અને સપનાઓનો સમુદ્ર છે. જ્યારે આ ઊર્જાને કલા અને સંસ્કૃતિનું માધ્યમ મળે છે, ત્યારે 'કલા ઉત્સવ' જેવા અદ્ભુત પર્વનું સર્જન થાય છે. -સાંસદ રાજેશભાઇ ચૂડાસમા
જૂનાગઢ તા. ૯ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી, જૂનાગઢ દ્વારા આયોજિત અષ્ટમ યુવક મહોત્સવ-કલાઉત્સવ ૨૦૨૬ જૂનાગઢનાં સાંસદ સદસ્ય રાજશેભાઇ ચુડાસમા, રાજ્યસભાનાં સદસ્ય માનસિંહભાઇ પરમાર, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા, ગૈારવભાઇ રૂપારેલયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ઉદઘાટન કાર્યક્રમ પૂર્વે વિવિધ કોલેજ અને વિભાગનાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતિય સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ કલાયાત્રા યોજી વિવિધ ટેબ્લો દ્વારા જ્ઞાન-સંસ્કાર અને સંસ્કૃતિનાં પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ મહાનુભાવોનાં હસ્તે યુનિ. ભવન કેમ્પસમાં ૭૬૦૦ લાખનાં સંભવિત ખર્ચે નિર્માણાધિન માળખાકીય સવલતોમાં વધારો થાય તેવા રેકોર્ડીંગ સ્ટુડીયોઝ, ગેસ્ટ હાઉસ , ક્મ્પ્યુટર સેન્ટર, વાઈલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ બિલ્ડીંગ, આર્કયોલોજી એન્ડ હીસ્ટ્રી લેગ્વેજીસ બિલ્ડીંગ, વાઈસ ચાન્સેલર બંગ્લોનું ભુમી પુજન કર્યુ હતુ.
કલા મહોત્સવમાં યુનિ.નાં કાર્યક્ષેત્રીય દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની ૪૯ કોલેજોનાં ૧૦૧૦ જેટલા કલામર્મી વિદ્યાર્થીઓ સંગીત, નાટક, લલીતકલા, નૃત્ય, અને સાહિત્ય વિભાગની કૂલ ૩૧ જેટલી વિવિધ સ્પર્ધાઓમાં સહભાગી બન્યા છે તેમને સંબોધતા જૂનાગઢનાં સાંસદ સદસ્ય રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટી દ્વારા આયોજિત આ ૮મા યુવા મહોત્સવ એટલે કે 'કલા ઉત્સવ' ના શુભારંભ પ્રસંગે તમારી સામે ઊભા રહીને વાત કરવી એ મારા માટે ગૌરવની ક્ષણ છે. યુવા અવસ્થા એ માત્ર ઉંમરનો એક તબક્કો નથી, પણ એ ઉત્સાહ, ઊર્જા, કલ્પનાશીલતા અને સપનાઓનો સમુદ્ર છે. જ્યારે આ ઊર્જાને કલા અને સંસ્કૃતિનું માધ્યમ મળે છે, ત્યારે 'કલા ઉત્સવ' જેવા અદ્ભુત પર્વનું સર્જન થાય છે. શિક્ષણ આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન આપે છે, પરંતુ કલા અને સંસ્કૃતિ આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. આ યુવા મહોત્સવ એ આપણી સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવાનું અને તમારામાં છુપાયેલી અદ્વિતીય પ્રતિભાને બહાર લાવવાનું એક સશક્ત માધ્યમ છે. રાજેશભાઇ ચુડાસમાએ જૂનાગઢ જિલ્લાનાં શૈક્ષણીક પ્રકલ્પોનાં માળખાકીય વિકાસ માટે સરકારની કટીબધ્ધતા વ્યક્ત કરી આવનાર દિવસોમાં યુનિ.નાં સર્વાંગી વિકાસમાં જરૂરી ઈન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થાય તે દિશામાં સહયોગી બનવા હૈયાધારણા વ્યક્ત કરી હતી.
જૂનાગઢ વિધાનસભા ક્ષેત્રનાં ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાએ પ્રાસંગિક વાત કરી જણાવ્યુ હતુ કે યુવા અવસ્થા એ માત્ર ઉંમરનો એક તબક્કો નથી, પણ એ ઉત્સાહ, ઊર્જા, કલ્પનાશીલતા અને સપનાઓનો સમુદ્ર છે. જ્યારે આ ઊર્જાને કલા અને સંસ્કૃતિનું માધ્યમ મળે છે, ત્યારે 'કલા ઉત્સવ' જેવા અદ્ભુત પર્વનું સર્જન થાય છે. શિક્ષણ આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન આપે છે, પરંતુ કલા અને સંસ્કૃતિ આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. આ યુવા મહોત્સવ એ આપણી સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવાનું અને તમારામાં છુપાયેલી અદ્વિતીય પ્રતિભાને બહાર લાવવાનું એક સશક્ત માધ્યમ છે. આવનાર દિવસોમાં યુનિ.નાં વિકાસમાં નાણાકીય ખર્ચને પહોંચી વળવા સરકાર કક્ષાએ જ્યાંથી નાણાકીય ફંડની ઉપલબધી કરવાની થશે ત્યાં સહાય કરવા અનુમોદન આપ્યુ હતુ.
આ તકે જૂનાગઢ રેન્જનાં ડી.આઇ.જી. રાજેન્દ્રસિંહજી ચુડાસમાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યુ હતુ કે લક્ષ સિધ્ધી વેળાએ ક્યારેય નિરાશ ના થવુ, સ્પર્ધામાં જીત કે હાર એ ગૌણ બાબત છે, પણ તેમાં ભાગ લેવો અને મંચ પર આવીને પોતાની કલા રજૂ કરવી એ જ સૌથી મોટી સફળતા છે. કલા આપણને સંવેદનશીલ બનાવે છે, સહાનુભૂતિ શીખવે છે અને એકબીજા સાથે જોડે છે. આજે જ્યારે આપણો દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, ત્યારે 'વિકસિત ભારત' ના નિર્માણમાં આપણા યુવાનોનું માનસિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત હોવું ખૂબ જ અનિવાર્ય છે
કાર્યક્રમનાં અધ્યક્ષ અને યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે પોતાનાં સંબોધનમાં યુનિ.ની સિધ્ધીઓ, આવનાર દિવસોમાં યુનિ.નાં વિકાસ ફલકની દિશાઓ અને શૈક્ષણિક લક્ષ્યાંકોની વાત કરી જણાવ્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતાની આ પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર, યુનિવર્સિટીના નૂતન ભવન કેમ્પસમાં સૌનું હાર્દિક સ્વાગત કરી અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીનું નામ જેમના નામ પરથી રાખવામાં આવ્યું છે તે આદિકવિ ભક્તકવિ નરસિંહ મહેતા પોતે એક અદભુત સર્જક, કવિ અને સંગીતકાર હતા. તેમના પદોમાં જે આધ્યાત્મિકતા અને કલાત્મકતા હતી, તે જ વારસો આજે આપણા સોરઠ અને આસપાસના વિસ્તારના યુવાનોમાં ધબકે છે. યુનિ.નાં ક્ષેત્રીય જિલ્લાઓમાંથી આવેલા સૌ વિદ્યાર્થીઓ આ મહોત્સવ દ્વારા આપણી સંસ્કૃતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છો. પ્રો.ચૈાહાણે અતિથીઓનાં યુનિ.નાં વિકાસ કાર્યોમાં સહયોગની પ્રસંશા કરી સૈાને આવકાર્યા હતા અને સૈા પ્રત્યે ઋણાનુભાવ વ્યક્ત કરી યુવા મહોત્સવના કો-ઓર્ડીનેટર ડો. દિનાબેન લોઢીયા, સહ કો-ઓર્ડીનેટર ડો. ઓમ જોષી, ડો. ઋષીરાજ ઉપાધ્યાય તેમજ તમામ સમિતિના સભ્યો, અધ્યાપકો અને વહીવટી સ્ટાફને કે જેમણે રાત-દિવસ એક કરીને આ ભવ્ય કલા મહોત્સવને સફળ બનાવવા માટે સખત મહેનત કરનાર સૈાને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.તમામ સ્પર્ધકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તમારી કલાના રંગોથી આ આખા કેમ્પસને ગુંજાવી દો. ડર્યા વગર, પૂરા આત્મવિશ્વાસ સાથે તમારી પ્રસ્તુતિ કરો. યાદ રાખજો, આ મંચ તમારો છે અને તમારી અંદર રહેલી કલા અજોડ છે.તેમ આહવાન કર્યુ હતુ.
કાર્યક્રમ વેળાએ પ્રો. દક્ષાબા ગોહિલ, ડો. કિર્તીબા વાઘેલા,પરીક્ષા નિયામક ડો. ડી.એચ.સુખડીયા, પ્રિન્સીપાલ ડો. બલરામ ચાવડા, ડો. દિનેશ દઢાણિયા, ડો. રાજેશ ભટ્ટ, તેમજ ડો. મેરગસિંહ યાદવ, સહિત વિવિધ કોલેજોનાં આચાર્યો, અધ્યાપકગણ, જાણીતા સાહિત્યકાર માલદેભાઇ આહિર, અમુદાનભાઇ ગઢવી, શિક્ષણ શાસ્ત્રી સર્વજેઠાભાઇ પાનેરા, રાજુભાઇ વાડોદરીયા, અશ્વિનભાઇ, સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પ્રારંભે ચિફ કો-ઓર્ડીનેટર ડો. દિનાબેન લોઢીયાએ આમંત્રીત અતિથીઓ, કલાપ્રેમી વિદ્યાર્થીઓ, મહાનુભાવોને શબ્દસુમનથી આવકારી કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી.
કાર્યક્રમનાં અંતે રજીસ્ટ્રાર ડો. આર.જી.પરમારે આભાર દર્શન કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા યુનિ.નાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. હરેશ કાવાણીએ કર્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ