
- તેજલબેનને કેરોસીન છાંટી જીવતી સળગાવી હત્યા કરવાના કેસમાં કાર્યવાહી, અગાઉ ચાર આરોપીઓને થઈ હતી આજીવન કેદની સજા
કચ્છ, 09 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામમાં વર્ષ 2021 દરમિયાન બનેલા ચકચારી હત્યા કેસમાં છેલ્લા છ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલી બે મહિલા આરોપીઓને ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે રાજસ્થાનના સાંચોર ખાતેથી શોધી કાઢી ઝડપી પાડી છે. માનવબાતમી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હાથ ધરાયેલી આ કામગીરી બાદ બંને મહિલાઓને ગાંધીધામ લાવવામાં આવી છે અને ગુનામાં તેમની સંડોવણીના આધારે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ બનાવ ગાંધીધામના કાર્ગો વિસ્તારના આઝાદનગર નટવાસ ખાતે બન્યો હતો. ફરિયાદીની પત્ની તેજલબેન સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ કથિત રીતે તેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ દરમિયાન કેરોસીન છાંટીને આગ લગાડવામાં આવતાં તેજલબેનનું મોત થયું હતું. આ ગંભીર બનાવ અંગે 8 જાન્યુઆરી, 2021ના રોજ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 302, 307, 143, 294(બી), 504 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ ગાંધીધામની સેશન્સ કોર્ટમાં ચારેય આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
જોકે, આ જ ગુનામાં સંડોવણી ધરાવતી બે મહિલા આરોપીઓ પોલીસની પકડથી દૂર રહી હતી. તેમની શોધખોળ માટે રાજસ્થાનમાં વારંવાર તપાસ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં કોઈ સફળતા મળી નહોતી. આખરે માનવબાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને બંને મહિલાઓ સાંચોરમાં હોવાની માહિતી મળી હતી.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢીયાની ટીમ રાજસ્થાન પહોંચી હતી. ત્યાંથી પેપાબેન પ્રકાશભાઈ નટ (40) અને અફસાના હિતેષભાઈ નટ (29), બંને હાલ નટવાસ કોલોની, સાંચોર ખાતે રહેતી મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી.
છ વર્ષ જૂના આ હત્યા કેસમાં બંને મહિલાઓની ધરપકડ થતાં પોલીસની તપાસમાં વધુ કડીઓ બહાર આવે તેવી શક્યતા છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar