ખેલ મહાકુંભમાં મુરૂની દીકરીઓનો ડંકો! સ્ટેન્ડિંગ જમ્પમાં પ્રથમ, ખો-ખો સહિત બે સ્પર્ધામાં દ્વિતીય સ્થાન
- નખત્રાણા તાલુકાની મુરૂ પ્રાથમિક શાળાની બાળાઓએ રમતગમત ક્ષેત્રે ઝળકાવી પ્રતિભા, વૈદેહીબા જાડેજાએ મેળવ્યું પ્રથમ સ્થાન. કચ્છ, 09 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. ત્યારે નખત્
ખેલ મહાકુંભ વિજેતા


ખેલ મહાકુંભ


- નખત્રાણા તાલુકાની મુરૂ પ્રાથમિક શાળાની બાળાઓએ રમતગમત ક્ષેત્રે ઝળકાવી પ્રતિભા, વૈદેહીબા જાડેજાએ મેળવ્યું પ્રથમ સ્થાન.

કચ્છ, 09 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓ પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. ત્યારે નખત્રાણા તાલુકાના મુરૂ ગામની પ્રાથમિક શાળાની બાળાઓએ ખેલ મહાકુંભ-2026માં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળા સહિત સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. વિવિધ સ્પર્ધાઓમાં શાળાની વિદ્યાર્થીનીઓએ નોંધપાત્ર સફળતા મેળવી પોતાની રમતગમત ક્ષમતા અને મહેનતનો પરિચય આપ્યો છે.

ખેલ મહાકુંભમાં મુરૂ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વૈદેહીબા અજીતસિંહ જાડેજાએ અન્ડર-11 સ્ટેન્ડિંગ જમ્પ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ સાથે વૈદેહીબાએ પોતાની પ્રતિભા સાબિત કરવાની સાથે શાળાનું નામ પણ રોશન કર્યું છે. રમતગમત પ્રત્યેની લગન, સતત અભ્યાસ અને સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ધગશના પરિણામે તેણે આ સફળતા મેળવી હતી.

બીજી તરફ, અન્ડર-14 ખો-ખો સ્પર્ધામાં પણ મુરૂ પ્રાથમિક શાળાની બાળાઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની રમતકૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ટીમના ખેલાડીઓએ પરસ્પર સંકલન, ચપળતા અને ટીમભાવનાના આધારે સારું પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત શાળાની અન્ડર-14 કુમારી ટીમે પણ તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન હાંસલ કરીને શાળાની સફળતામાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો હતો.

આ સફળતામાં શાળાના શિક્ષક હરેશભાઈ ચૌધરી સહિત અન્ય શિક્ષકોના માર્ગદર્શન અને તાલીમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. વિદ્યાર્થીનીઓને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમની ક્ષમતાને નિખારવા શિક્ષકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પરિણામલક્ષી સાબિત થયા છે. બાળાઓની મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેના ઉત્સાહે આ સિદ્ધિને વધુ વિશેષ બનાવી છે.

મુરૂ પ્રાથમિક શાળાની આ સિદ્ધિથી શાળા પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. વિજેતા ખેલાડીઓની સફળતાને બિરદાવતાં શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનોએ તમામ બાળાઓ તેમજ માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારની આ દીકરીઓની સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. રમતગમતના માધ્યમથી આગળ વધતી આ બાળાઓ ભવિષ્યમાં પણ નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande