
મહેસાણા, 09 ઓક્ટોબર (હિ.સ.) : બેચરાજી તાલુકાના રણેલા ગામે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી વિષયક એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. તેમાં બાગાયતી પાકોનું વાવેતર વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા અને સરકારી સહાય યોજનાઓનો લાભ મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક એચ.એસ. પ્રજાપતિ અને બાગાયત અધિકારી જી.જે. ચૌહાણ સહિત આત્મા પ્રોજેક્ટના CRP તથા વિવિધ વિભાગના તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી, જમીનની ફળદ્રુપતા જાળવવા અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અંગે સમજ આપવામાં આવી હતી.
ખેતીમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની સાથે ખર્ચ ઘટાડવા માટે આધુનિક પદ્ધતિઓની માહિતી અપાઈ હતી. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, અરજી પ્રક્રિયા અને યોજનાનો લાભ મેળવવા અંગે માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરી બાગાયતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR