મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોની ચિંતા વધી
ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે. જોકે, ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ ડુંગળીના ભાવ 900 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જ્યારે હાલ ખેડૂતોને
યાર્ડ


ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ અને સફેદ ડુંગળીની આવક થઈ રહી છે. જોકે, ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ ડુંગળીના ભાવ 900 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જ્યારે હાલ ખેડૂતોને 400થી 700 રૂપિયા આસપાસ ભાવ મળી રહ્યા છે.

મહુવા તાલુકા અને આસપાસના વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ડુંગળી વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે. કેટલાક ખેડૂતો ખેતરમાંથી તૈયાર થયેલી ડુંગળી વેચી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતોએ મેડામાં સાચવી રાખેલી ડુંગળી પણ બજારમાં વેચાણ માટે લાવી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, અગાઉની સરખામણીએ હાલ ડુંગળીના ભાવમાં અંદાજે 100થી 200 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ બિયારણ, ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ સહિતના ખેતી ખર્ચમાં વધારો થતાં ખેડૂતોને પૂરતું વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીના ભાવમાં વધારો થાય તો ખેતી પાછળ કરેલા ખર્ચની ભરપાઈ થઈ શકે અને સારી આવક મેળવી શકાય. હાલના ભાવથી અપેક્ષા મુજબની આવક મળતી ન હોવાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

આગામી દિવસોમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક અને બજારભાવમાં કેવો ફેરફાર થાય છે તેના પર ખેડૂતોની નજર છે. ભાવમાં વધારો થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande