
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આ વર્ષે નવરાત્રી ઉત્સવ નિમિત્તે 18 અર્વાચીન અને 800 થી વધુ પ્રાચીન ગરબીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ખેલૈયાઓ ભયમુક્ત માહોલમાં ગરબા માણી શકે તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તમામ ખાનગી અને કોમર્શિયલ ગરબા આયોજકો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સુરક્ષાના તમામ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.
આ બેઠકમાં ખાસ કરીને મેટોડા જીઆઈડીસી, લોધિકા, ગોંડલ, જેતપુર, ધોરાજી તેમજ ઉપલેટા સહિતના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. એસપી વિજયસિંહ ગુર્જરે આયોજકોને નિયમોના આધીન રહીને જ ગરબા મંજૂરી આપવાની વાત સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું આયોજકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ પણ સ્તરે નિયમોનો ભંગ થશે તો આયોજકો સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગરબાના મુખ્ય મેદાન, પ્રવેશદ્વાર અને આયોજન સ્થળથી લઈને વાહન પાર્કિંગ સુધીના સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અંધારાનો લાભ લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાર્કિંગ એરિયા તેમજ આસપાસના અવાવરુ સ્થળોએ પૂરતી લાઈટિંગની વ્યવસ્થા ઊભી કરવા સૂચના અપાઈ છે. ભીડ નિયંત્રણ અને મહિલાઓની સુરક્ષા માટે આયોજકોએ પોતાના ખર્ચે પર્યાપ્ત સંખ્યામાં સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર્સ તૈનાત કરવાના રહેશે.
ધ્વનિ પ્રદૂષણ અને સમય મર્યાદા સંદર્ભે બેઠકમાં સરકારી ગાઇડલાઇન મુજબ રાત્રે નિયત કરેલા સમય સુધી જ ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. સમય પૂરો થતાં જ સાઉન્ડ સિસ્ટમ તુરંત બંધ કરવાની રહેશે. નવરાત્રી દરમિયાન સ્થાનિક પોલીસ, એલસીબી અને અન્ય પોલીસ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. એસપી ગુર્જરે તમામ આયોજકોને પોલીસ તંત્રને પૂર્ણ સહકાર આપવા અપીલ કરી છે જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
ગરબા મેદાનમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. છેડતી કે રોમિયોગીરી કરતા અસામાજિક તત્વોને પકડવા માટે 'શી-ટીમ'ની મહિલા પોલીસ કર્મચારીઓ ગણવેશને બદલે ચણિયા-ચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને સામાન્ય ખેલૈયાઓની જેમ જ મેદાનમાં હાજર રહેશે. કેમેરા સાથે સજ્જ આ ટીમ લુખ્ખા તત્વો પર ગુપ્ત નજર રાખશે અને ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કરતા તત્વોને રંગેહાથ ઝડપી પાડી કાયદાનું ભાન કરાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt