
પાટણ, 09 ઓક્ટોબર (હિ.સ.)પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને મંડળના હોદ્દેદારોની કરવામાં આવેલી બદલીઓ રદ કરવાની માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો દૂષિત ભાવનાથી કરવામાં આવેલી બદલીઓ રદ નહીં થાય તો રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરશે.
પત્રમાં સાબરમતીના નાયબ મામલતદાર કૌશિક સોલંકી સહિત મંડળના હોદ્દેદારોની દૂરના તાલુકાઓમાં કરવામાં આવેલી બદલીઓનો ઉલ્લેખ કરાયો છે. ધારાસભ્યએ સુપ્રીમ કોર્ટના 'સોમેશ તિવારી' કેસના ચુકાદાને ટાંકીને આ બદલીઓ કાયદાકીય દૂર્ભાવનાથી પ્રેરિત હોવાની રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રીને આ બદલીઓ તાત્કાલિક અસરથી રદ કરી કર્મચારીઓને ન્યાય આપવા વિનંતી કરી છે.
મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી 14 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણની માગ કરવામાં આવી રહી છે. જેમાં મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગોની બિનજરૂરી કામગીરી દૂર કરવી, ગ્રામ્ય કક્ષાએ રેકોર્ડ રૂમ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી, દરેક ગામ દીઠ એક મહેસૂલી તલાટીનું મહેકમ મંજૂર કરવું તેમજ વર્ષ 2012ના નાયબ મામલતદારોને 'રી-એડજસ્ટમેન્ટ ડેટ' (2020)નો લાભ આપી સિનિયોરિટી આખરી કરવાની માગણીઓનો સમાવેશ થાય છે. હવે આ પ્રશ્નોનો ઉકેલ ન આવે તો રાજ્યમાં મહેસૂલી કામગીરી ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ