જામનગરના રિલાયન્સથી રાજસ્થાન જતા પેટ્રોલમાં ભેળસેળ અંગે ટ્રક ડ્રાઇવર સહિત બે સામે પોલીસ ફરિયાદ
જામનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર નજીક મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટ્રોલમાં રસ્તામાં કેમિકલ ભેળવી ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કંપનીની આંતરિક તપાસ બાદ આ મામલે મે
ફરિયાદ


જામનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર નજીક મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટ્રોલમાં રસ્તામાં કેમિકલ ભેળવી ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કંપનીની આંતરિક તપાસ બાદ આ મામલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ટેન્કરચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જામનગરથી રાજસ્થાનના મંડાર ડેપો સુધી ઇંધણ પહોંચાડતી વખતે આ ભેળસેળ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા અને અગ્રવાલ રોડલાઇન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશ મકવાણાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની કંપનીના આશરે 60 જેટલા ટેન્કરો રિલાયન્સ અને નાયરા કંપની માટે ઈંધણ પરિવહનનું કામકાજ સંભાળે છે. તે પૈકી જીજે-12-બીઝેડ-1492 અને જીજે-12-બીઝેડ-1307 નંબરના બે ટેન્કરો જામનગરથી રાજસ્થાનના મંડાર ડેપો સુધી પેટ્રોલ પહોંચાડવાના રૂટ પર કાર્યરત હતા.

પેટ્રોલમાં ભેળસેળ અંગે સતત ફરિયાદો ઊભી થતા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેન્કરચાલક દાવદખાન સુજાખાનના મોબાઇલ ફોનમાંથી ટેન્કરમાંથી માલ કાઢવો, તેમાં કેમિકલ ભેળવવું અને તે અંગેના નાણાકીય વ્યવહારો કરવા અંગેની કોલ રેકોર્ડિંગ્સ મળી આવી હતી. મંડાર ડેપોથી આગળ પેટ્રોલપંપ સુધીના માર્ગમાં આવેલી હોટેલો અથવા વાડા ખાતે ટેન્કરના કમ્પાર્ટમેન્ટમાં કેમિકલ ભેળવવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.

આ ગેરરીતિમાં અન્ય ટેન્કરચાલક કમરૂદીન હાજીખાન તથા અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 24 હજાર લિટર પેટ્રોલ ભરીને રાજસ્થાનના સિલોડા ખાતે આવેલા રિલાયન્સના પેટ્રોલપંપ પર પહોંચેલા ટેન્કરમાં ચેકિંગ દરમિયાન મશીન કિટથી શંકાસ્પદ રિઝલ્ટ મળ્યું હતું. આથી પેટ્રોલના સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ હાલ બાકી છે.

આ સમગ્ર કૌભાંડ મામલે રાજસ્થાનના બાડમેરના વતની એવા ટેન્કરચાલક દાવદખાન સુજાખાન અને કમરૂદીન હાજીખાન સામે મેઘપર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ટેન્કરચાલકો સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande