પાટણમાં બાકી ઈ-ચલણ સામે RTO-POLICEની કડક કાર્યવાહી
પાટણ, 09 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈશ્યૂ કરાયેલા બાકી ઈ-ચલણની સમયમર્યાદામાં ભરપાઈ નહીં કરનારા વાહનચાલકો સામે RTO અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. પેન્ડિંગ ચલણ ધરાવતા વાહનોને નિયમ
પાટણમાં બાકી ઈ-ચલણ સામે RTO-POLICEની કડક કાર્યવાહી


પાટણ, 09 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈશ્યૂ કરાયેલા બાકી ઈ-ચલણની સમયમર્યાદામાં ભરપાઈ નહીં કરનારા વાહનચાલકો સામે RTO અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી છે. પેન્ડિંગ ચલણ ધરાવતા વાહનોને નિયમોનુસાર બ્લેકલિસ્ટ કરવા ઉપરાંત વારંવાર ગંભીર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોનાં ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ માટે જિલ્લામાં વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવશે.

જિલ્લાના તમામ વાહનચાલકોને પોતાના બાકી ઈ-ચલણની રકમ સમયસર ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી છે. ચલણ ભરવા માટે માત્ર અધિકૃત સરકારી વેબસાઈટ [https://echallan.parivahan.nic.in](https://echallan.parivahan.nic.in) નો ઉપયોગ કરવા જણાવાયું છે. નાગરિકોને સરળતા રહે તે માટે જિલ્લાના તમામ PUC સેન્ટરો અને RTO કચેરીમાં ઓનલાઈન ભરપાઈની પ્રક્રિયા દર્શાવતો ફ્લોચાર્ટ મૂકવામાં આવશે. ઉપરાંત, PUC સેન્ટરના સંચાલકોને પણ આ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. RTO કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ, RC રિન્યુઅલ અને વાહન ફિટનેસ સહિતની કામગીરી માટે આવતા વાહનોનાં પેન્ડિંગ ચલણની તપાસ કરવામાં આવશે.

બાકી ઈ-ચલણની વસૂલાત માટે પોલીસ અને RTO દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાશે. તપાસ દરમિયાન અથવા અન્ય કારણોસર ડિટેઈન કરાયેલા વાહનોને બાકી તમામ ઈ-ચલણની ભરપાઈ અને જરૂરી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ મુક્ત કરવામાં આવશે. આ અભિયાન અંગે જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ યુનિયનો અને વીમા કંપનીઓને પણ પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે. વહીવટી તંત્રના આ કડક અભિગમથી ટ્રાફિક નિયમોનું પાલન વધારવા અને બાકી દંડની વસૂલાતને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande