કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજ સિંહની અધ્યક્ષતામાં સરસાણા ખાતે SGCCI દ્વારા વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો
સુરત, 09 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજ સિંહની અધ્યક્ષતામાં સરસાણા ખાતે SGCCI દ્વારા ''વિચાર વિમર્શ: Industry Dialogue on PLI & MMF: Marching Towards Viksit Bharat કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ મેન મેડ ફાઈબર(MMF) ક્
SGCCI Organizes Consultation Event


સુરત, 09 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજ સિંહની અધ્યક્ષતામાં સરસાણા ખાતે SGCCI દ્વારા 'વિચાર વિમર્શ: Industry Dialogue on PLI & MMF: Marching Towards Viksit Bharat કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ મેન મેડ ફાઈબર(MMF) ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા તેમજ PLI સ્કીમ હેઠળ કાપડ ઉદ્યોગ માટે સરકારી પ્રોત્સાહક યોજનાઓને સફળ બનાવવા અંગે ચર્ચા કરવાનો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @2047' ના સંકલ્પને સાકાર કરવામાં દેશના કાપડ ઉદ્યોગોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. દેશમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે PLI સ્કીમ સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. જે વર્ષ 2030 સુધીમાં ભારતને $5 ટ્રિલિયનના આર્થિક લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં ગતિ આપશે.

મંત્રીએ કહ્યું કે, દેશની ટેક્સટાઇલ રાજધાની સુરત હવે સમગ્ર ભારતનું ઝડપથી ઊભરતું આર્થિક કેન્દ્ર છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગે વિશ્વભરમાં આગવી ઓળખ મેળવી છે. ટેક્સટાઈલ ક્ષેત્ર માટે PLI સ્કીમ અને PM MITRA પાર્ક ગેમ ચેન્જર સાબિત થશે. PLI હેઠળ નવીન મશીનરી અને હાઈ-ટેક પ્રોડક્શન યુનિટ્સ સ્થાપવા નાણાંકીય સહાય મળવાથી ભારતીય ટેક્સટાઈલને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવી શકાશે. સાથે જ કાપડની નિકાસમાં મદદરૂપ બનશે.

વધુમાં મંત્રી કહ્યું કે, PM MITRA પાર્કને કારણે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે એક જ જગ્યાએ સમગ્ર સપ્લાય વેલ્યુ ચેઈન મળશે. તેમજ દેશ-વિદેશથી રોકાણકારો આવવાથી ગુજરાત-સુરતની આર્થિક ઇકો-સિસ્ટમ વધુ મજબૂત બનશે. PM MITRA અને PLI ના કારણે હવે સુરતમાં ગારમેન્ટિંગ અને બ્રાન્ડેડ કાપડ નિર્માણમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. જે વર્ષ 2030 સુધીમાં ટેક્સટાઈલ ક્ષેત્રે નિર્ધારિત $350 બિલિયન ડોલરના આર્થિક લક્ષ્યાંકને પહોંચી વળવામાં અગત્યની ભૂમિકા ભજવશે.

કેન્દ્રીય મંત્રીએ ટેકનિકલ ટેક્સ્ટાઈલનું મહત્વ સમજાવી વિશ્વભરમાં વધતી તેની માંગને આધારે નવા ઉદ્યોગ સાહસિકોને આવનારા સમયમાં આ ક્ષેત્રે રહેલી વિશાળ તકોનો લાભ લેવા અને આ ક્ષેત્રે વિકાસની અસીમિત સંભાવનાઓને ઝડપી લેવા આહ્વાન કર્યું હતું. સાથે જ પર્યાવરણ અનુકૂળ બની ભવિષ્યની કાપડની જરૂરિયાતોને પહોંચી વળવા તેમણે પરંપરાગત કપાસ ઉપરાંત કેળાં, અનાનસ, આંકડાના છોડ તેમજ લીનન જેવા કુદરતી અને ન્યૂ-એજ ફાઈબર્સના ઉત્પાદન માટે અપાતાં સરકારી યોજનાકીય પ્રોત્સાહન વિષે જાણકારી આપી હતી.

વધુમાં તેમણે ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી નવી પોલિસી બનાવવા અને તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે ડેટાનું મહત્વ સમજાવી દરેક ઉદ્યોગકારોને TSRS-ટેક્સટાઇલ પોર્ટલમાં અચૂક ડેટા ભરવા પ્રોત્સાહન આપ્યું હતું. અને હરહંમેશ ઉદ્યોગોને અવિરત ગતિએ આગળ ધપાવવા સરકાર તરફથી સહકાર આપવાની ખાતરી આપી હતી.

ટેક્સટાઈલ ઉદ્યોગમાં ડેટા કલેક્શનના મહત્વ વિશે જણાવતા રાજ્યના ટેક્સટાઈલ કમિશનર મતી વૃંદા દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાપડ ઉદ્યોગ માટે સંપૂર્ણ વેલ્યુચેન ઈકો-સિસ્ટમ ઉપલબ્ધ છે. સચોટ અને પ્રમાણભૂત ડેટા વગર સરકાર દ્વારા કોઈ પણ અસરકારક નીતિ ઘડી શકાતી નથી કે ઉદ્યોગોને યોગ્ય યોજનાકીય લાભ આપી શકાતા નથી.

તેમણે TSRS (ટેક્સટાઇલ સ્ટેટસ રિપોર્ટિંગ સિસ્ટમ) પોર્ટલ અને તેની ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપતાં સ્પષ્ટ કર્યું કે, GST નંબર ધરાવતા ઉદ્યોગકારો માટે દર મહિને માસિક વિગતો અને વાર્ષિક ધોરણે 'એન્યુઅલ સ્ટેટિસ્ટિકલ રિટર્ન' ભરાવવું કાયદાકીય રીતે અનિવાર્ય છે.

સુરતને દેશનું ટેકસટાઇલ પાવર હાઉસ ગણાવી જોઇન્ટ સેક્રેટરી મનીષા ચેટરજીએ જણાવ્યું કે, સુરત શહેર કાપડ ઉદ્યોગ માટે આર્કિટેક્ટ અને એન્જિનિયર સમાન છે. મેન મેઇડ ફાઇબર અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વિકસાવેલી ઇકો સિસ્ટમ સરાહનીય છે. જેના કારણે ભારત MMF અને ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે ગ્લોબલ શક્તિ તરીકે ઊભરી આવ્યું છે. અને આજે પૂરા વિશ્વમાં ભારત પોલિએસ્ટર અને વિસકોસમાં વિશ્વનું બીજા નંબરનું ઉત્પાદક છે. આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણમાં સુરત અને ગુજરાત ઐતિહાસિક સ્થાન ધરાવે છે. તેમજ પોલિએસ્ટર પ્રોસેસિંગ અને વીવિંગમાં સુરતનું નેતૃત્વ ભારતની ટેક્સટાઇલ ચેનનો આધાર છે એમ જણાવી તેમણે ટેક્સટાઇલ ક્ષેત્રે સુરતની પ્રગતિના સૂત્રધારો, સાહસિકોને બિરદાવ્યા હતા.

આ વેળાએ વિવિધ ઉદ્યોગ સાહસિકોએ કેન્દ્રીય મંત્રી અને અધિકારીઓ સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી જરૂરી સૂચનો, પ્રતિભાવો આપ્યા હતા. સાથે જ મંત્રીએ વિવિધ ટેક્સટાઈલ યુનિટ દ્વારા રજુ કરાયેલા પ્રદર્શન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે SGCCI પ્રમુખ અશોક જીરાવલા, ચેમ્બરના સભ્યો અને પૂર્વ સભ્યો તેમજ ટેકસટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ અને કાપડ ઉદ્યોગકારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande