
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ તાલુકાના બેડી ગામમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલનું નિરીક્ષણ કરાયું હતું. આ પ્રસંગે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળી ભવિષ્યની પેઢી માટે પર્યાવરણની સુરક્ષા સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરવામાં આવી હતી.
પરિસંવાદમાં જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા જણાવવામાં આવ્યું કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન ઘટી શકે છે, જ્યારે શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા આધારિત પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન વધે છે. યુરિયા અને ડી.એ.પી.ના અતિશય વપરાશથી જમીન બંજર બની રહી છે. યુરિયાથી હવામાં ઉત્પન્ન થતો નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધુ નુકસાનકારક છે.
માતાના દૂધના સેમ્પલ સર્વેક્ષણમાં યુરિયા અને પેસ્ટિસાઇડ્સના અંશો મળી આવ્યા હોવાનો ઉલ્લેખ કરી રાસાયણિક કીટકનાશકોના લીધે વધી રહેલી ગંભીર બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જમીનની ફળદ્રુપતા અને જળ સંચય માટે અળસિયાં સંવર્ધન તથા બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા અને બહુપાક પદ્ધતિ જેવા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો અપનાવવાની સલાહ આપવામાં આવી હતી.
હાલ ગુજરાતમાં ૯ લાખથી વધુ અને રાજકોટ જિલ્લામાં ૨૦ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ સખીઓ અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ૧૧ માંથી ૯ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રો સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે.
કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના સફળ અનુભવો રજૂ કર્યા હતા. આ તકે ઉપસ્થિત વહીવટી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, સી.આર.પી. અને કૃષિ સખીઓ સાથે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને જમીન તથા સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે વિશેષ સંવાદ યોજાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt