
ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘મિશન બાલમન’ અંતર્ગત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ‘કષ્ટબિન’ પ્રોજેક્ટનો પ્રારંભ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મોરારિ બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાની 500 શાળાઓમાં કષ્ટબિન મૂકવામાં આવશે.
મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, કષ્ટબિન માત્ર એક પેટી નથી, પરંતુ વિદ્યાર્થીઓના મનની વાત વ્યક્ત કરવાનું માધ્યમ છે. અનેક વિદ્યાર્થીઓ સંકોચ કે શરમના કારણે પોતાની સમસ્યાઓ વાલીઓ, શિક્ષકો કે મિત્રો સમક્ષ રજૂ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણો ચિઠ્ઠી દ્વારા વ્યક્ત કરી શકશે. તેમણે કષ્ટબિન અભિયાનને યજ્ઞ સમાન ગણાવી વિદ્યાર્થીઓને નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, મિશન બાલમન અંતર્ગત છેલ્લા એક વર્ષથી સાયકોલોજિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની લાગણીઓ અને સમસ્યાઓ સરળતાથી વ્યક્ત કરી શકે તે માટે કષ્ટબિન સુરક્ષિત માધ્યમ બનશે. ચિઠ્ઠીઓમાં રજૂ થયેલી સમસ્યાઓની ગોપનીયતા જાળવી જરૂરી માર્ગદર્શન અને નિષ્ણાતોની મદદ પૂરી પાડવામાં આવશે.
ડૉ. નિમિત્ત ઓઝાએ શિક્ષકો અને આચાર્યોને શરૂઆતમાં પોતાની ચિઠ્ઠીઓ કષ્ટબિનમાં નાખવા અનુરોધ કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓમાં પણ સમસ્યા વ્યક્ત કરવાની હિંમત વધે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ તેમની મુશ્કેલીઓ સમજવા માટે જરૂરી છે.
વક્તા નેહલબેન ગઢવીએ વિદ્યાર્થીઓની વાત સાંભળવા, તેમની ગોપનીયતા જાળવવા અને મદદ માગવાને હિંમતની નિશાની ગણાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ડૉ. કેયૂર પરમાર, રેન્જ આઈ.જી. રાજેન્દ્ર અસારી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી અને જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA