
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં રૂ. 43 હજારના સેકન્ડ હેન્ડ આઈફોનની ખરીદી મામલે થયેલી લેવડ-દેવડની તકરારમાં યુવકની બહેને દવા પી લીધાનો આક્ષેપ કરી બે શખ્સોએ ઘરમાં ઘૂસી લાકડાના ધોકા વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. 150 ફીટ રિંગ રોડ પર આવેલી જય ખોડિયાર સોસાયટીમાં મોડી રાત્રે બનેલા આ બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના 150 ફીટ રિંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોક નજીક જય ખોડીયાર સોસાયટીમાં રહેતા અને શાપરમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા અશ્વીનભાઇ અમૃતલાલ ચૌહાણના 25 વર્ષીય પુત્ર આદર્શે માયાણી ચોકમાં આવેલી દુકાનેથી રૂ. 43,000માં સેકન્ડ હેન્ડ એપલ કંપનીનો આઈફોન ખરીદ્યો હતો. આ ખરીદી બાદ તેમના સગા કાજલબેને ફોન કરીને દાવો કર્યો હતો કે આ મોબાઈલ લેવા માટે તેમની પુત્રી પ્રાચીએ રૂ. 20,000 આપ્યા છે, જે નાણાં પરત ચૂકવી દેવા. જોકે આદર્શે નાણાં લીધા હોવાનો ઈનકાર કરતા બંને પક્ષો વચ્ચે દુકાને રૂબરૂ તપાસ થઈ હતી, પરંતુ લેખિત પુરાવા ન હોવાથી વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
દુકાનેથી પરત આવ્યા બાદ તકરાર વધુ વણસી હતી. કાજલબેનના પુત્ર ભાવીન પરમારે આદર્શને ફોન કરીને આક્ષેપ કર્યો હતો કે તેના કારણે તેની બહેન પ્રાચીએ દવા પી લીધી છે અને તેને પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કરી છે. આ વાત પર ભાવીને ફોન પર ગાળો આપી ઉશ્કેરાટ ફેલાવ્યો હતો. ત્યારબાદ કરણ ધોળકીયા નામના શખ્સે પણ ફોન પર આદર્શ તથા તેના પિતા અશ્વીનભાઇને ભૂંડી ગાળો આપીને આવતીકાલે રાજકોટમાં ન રહેવા અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી.
આ ધમકી બાદ મોડી રાત્રે આશરે 1:00 વાગ્યાના સુમારે કરણ ધોળકીયા અને ભાવીન પરમાર એક્સેસ મોટરસાઈકલ પર લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. બંનેએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બારીના કાચ, ફ્રિજ અને મુખ્ય દરવાજાની તોડફોડ કરી આશરે રૂ. 20,000નું નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના બાજુમાં આવેલા 'એચ.પી. ઓટો ગેસ કીટ' શોપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બંને આરોપીઓ ધોકા સાથે આવીને તોડફોડ કરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા.
ઘટના બનતા જ પીડિત પરિવારે 112 નંબર પર કોલ કરીને પોલીસને ઘટનાની જાણ કરી હતી. બનાવ સ્થળે પહોંચેલી રાજકોટ તાલુકા પોલીસે ફરિયાદી અશ્વીનભાઇ ચૌહાણની ફરિયાદના આધારે વૈશાલીનગરમાં રહેતા આરોપી કરણ ધોળકીયા અને ભાવીન પરમાર વિરુદ્ધ રાયોટિંગ, તોડફોડ અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt