
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેક્સ શાખામાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા પાંચ કર્મચારીઓ દ્વારા સોફ્ટવેર સિસ્ટમમાં છેડછાડ કરીને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો કારસો ખુલ્લો પડ્યો છે. અધિકારીઓની સમયસૂચકતા અને સિસ્ટમના નોટિફિકેશનના કારણે આ કૌભાંડ પકડાઈ ગયું છે. તંત્રએ તાત્કાલિક ડેટામાં સુધારો કરીને નુકસાન અટકાવ્યું છે અને આ કર્મચારીઓ સામે ખાતાકીય તથા ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરી છે.
ટેક્સ શાખામાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ તેમને આપવામાં આવેલા લોગ-ઈન અધિકારોનો ગેરઉપયોગ કર્યો હતો. છેલ્લા બે માસ દરમિયાન આ કર્મચારીઓએ છ જેટલી મિલકતોના રૂ. ૧.૫ લાખથી વધુના બાકી લેણાં કમ્પ્યુટર સિસ્ટમમાંથી ડિલીટ કરી નાખ્યા હતા અને મિલકતોને વેરા બોજ વગરની દર્શાવી દીધી હતી. અધિકારીઓની બાજુમાં બેઠા હોવા છતાં આ હિંમત કરવામાં આવી હતી. પરંતુ સિસ્ટમમાં થતા ફેરફારના મેસેજ અને અધિકારીઓ દ્વારા કરાતા રેન્ડમ ચેકિંગ દરમિયાન આ ગોટાળો પકડાઈ ગયો હતો.
અધિકારીઓએ કડક પૂછપરછ કરતાં આ આઉટસોર્સિંગ ઓપરેટરોએ છેલ્લા બે મહિનાથી આ પ્રકારની ગેરરીતિ આચરતા હોવાની કબૂલાત આપી હતી. કૌભાંડ સામે આવ્યા બાદ પાંચેય કર્મચારીઓ કચેરીએ આવતા બંધ થઈ ગયા છે. તંત્ર દ્વારા જે મિલકતોના ડેટામાં ફેરફાર કરાયો હતો તેની વિગતો એકઠી કરી સિસ્ટમમાં પુનઃ સુધારણા કરી લેવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં ઓપરેટરો પાસે ખોટું કરાવનારા મિલકતધારકો કે વચેટિયાઓ સામે પણ પોલીસ મથકે ગુનો નોંધાવી કાનૂની શંસક્રો લેવાય તેવી પૂરી શક્યતા છે.
જામનગર શહેરમાં ૩ લાખ ૨૦ હજારથી વધુ મિલકતો નોંધાયેલી છે અને ટેક્સ વિભાગમાં કાયમી કર્મચારીઓની મોટી અછત છે. ૧૩ ટેક્સ ઇન્સ્પેક્ટરો અને અન્ય કુલ ૧૬ કાયમી કર્મચારીઓ સામે ૫૦થી વધુ કર્મચારીઓ આઉટસોર્સ કે કરાર આધારિત કામ કરે છે. અસ્થાયી કર્મચારીઓ પોતાને નોકરીમાંથી છૂટા થવાનો ડર ન હોવાથી આવી ગેરરીતિઓ કરવા પ્રેરાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર ટેક્સ વિભાગ પૂરતી સીમિત ન રહેતાં એસ્ટેટ સહિતના અન્ય વિભાગોમાં પણ ચાલતી હોવાની ચર્ચાઓ જાગી છે.
મનપાના આસિસ્ટન્ટ કમિશનર જિજ્ઞેશ નિર્મલે જણાવ્યું હતું કે વેરા વિભાગની સોફ્ટવેર સિસ્ટમમાં કર્મચારીઓની કામગીરી પર સતત નજર રાખી શકાય તેવી ટેકનિકલ સુવિધા ઉપલબ્ધ છે. આ જ સિસ્ટમના પરિણામે જ આખી ગેરરીતિ પકડાઈ શકી છે. તંત્ર દ્વારા સમગ્ર મામલે પૂરતી તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને દોષિત કર્મચારીઓ તેમજ આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય તમામ લોકો સામે ટૂંક સમયમાં જ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt