
- પાર્ટીમાં આવેલા અને નશાની હાલતમાં રહેલ 35 મહેમાનો તથા દારૂનું સેવન કરનાર 3 હોટેલકર્મી સહિત 38 સામે ગુનો નોંધાયો.
રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ૩૧ ઓક્ટોબરની મોડીરાતે એલસીબી ઝોન-૨ની ટીમે ઓચિંતી રેડ પાડીને હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપી પાડી હતી. ડેકોરા ગ્રુપના સંચાલક ચિરાગ અરવિંદ પટેલનો આગામી ૧૨ નવેમ્બરે જન્મદિવસ હોવાથી દિવાળી પર રજાના કારણે અગાઉથી જ આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરોડામાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને નામાંકિત હસ્તીઓ પકડાતા ભારે ચકચાર મચી ગઈ છે.
રાત્રે આશરે ૧૨ વાગ્યાની આસપાસ હોટેલમાં દારૂ પાર્ટી ચાલી રહી હોવાનો વીડિયો સામે આવતા સક્રિય બનેલી પોલીસે રાત્રે ૧ વાગ્યે હોટેલમાં દરોડો પાડ્યો હતો. આ પાર્ટીમાં ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ સહિત કુલ ૭૫ થી વધુ સ્ત્રી-પુરુષો ઉપસ્થિત રહ્યા હતા. દરોડાની સાથે જ પ્રભાવશાળી રાજકીય નેતાઓના ફોન ધણધણી ઉઠ્યા હતા અને પોલીસ પર દબાણ લાવવાના પ્રયાસો શરૂ થયા હતા. હોટેલના પાર્કિંગમાં લક્ઝરીયસ અને મોંઘીદાટ ગાડીઓની લાંબી કતારો જોવા મળી હતી.
પોલીસ કાર્યવાહી આગળ વધતી ગઈ તેમ અચાનક રાત્રે ૩ વાગ્યે હોટેલ બહારની અને ૩:૪૦ વાગ્યા પછી અંદરની લાઈટો કાપી નાખવામાં આવી હતી, જ્યારે આસપાસની અન્ય બિલ્ડિંગોમાં વીજળી ચાલુ હોવાથી કાર્યવાહી સામે પ્રશ્નાર્થ સર્જાયા હતા. પોલીસ તપાસ દરમિયાન હોટેલમાંથી અલગ-અલગ બ્રાન્ડની ૧૧ જેટલી ખાલી અને ભરેલી વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી. આ કેસમાં પાર્ટીના આયોજક અને સહભાગીઓ તથા હોટેલ મેનેજર સહિત કુલ ૩૮ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ૯૨ થી વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવવામાં આવ્યા છે. રાત્રે ૩:૫૫ કલાકે કુલ ૩૩ મહિલાઓને પોલીસ સુરક્ષા હેઠળ મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. કેમેરાથી બચવા અને મહિલાઓની ઓળખ છુપાવવા માટે તેમના મોઢા ઢાંકવા દુપટ્ટા ન મળતાં ટેબલ અને ખુરશીના કવરનો ઉપયોગ કરાયો હતો.
સવારે ૪:૪૫ કલાકે પોલીસ દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે કરીને હોટેલમાંથી રવાના થઈ હતી. ડીસીપી રાકેશ દેસાઈએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓને આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓની સંડોવણીના કારણે આ પ્રકરણ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt