રાજકોટમાં પતિ અને દિયરને જેલમાંથી છોડાવવાની લાલચ આપી પરિણીતા પર દૂષ્કર્મ : બ્લેકમેઈલ કરી રૂ.10 લાખ પડાવ્યા
રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીતાને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અને બ્લેકમેઇલ કરીને રૂા. 10 લાખ પડાવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પણ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપી રીન્કલ જસમતભાઈ આંબલીય
દૂષ્કર્મ


રાજકોટ, 01 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીતાને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરી અને બ્લેકમેઇલ કરીને રૂા. 10 લાખ પડાવવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અગાઉ પણ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપી રીન્કલ જસમતભાઈ આંબલીયાએ પતિ અને દિયરને જેલમાંથી છોડાવવાની ખાતરી આપી પરિણીતા સાથે અકુદરતી અને શારીરિક સંબંધો બાંધી ન્યૂડ વિડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ બનાવની વિગત મુજબ, ભોગ બનનાર પરિણીતાના પતિ અને દિયર જીપીઆઇડીના ગુનામાં જેલહવાલે હોય, તેઓ મહિલા જેલ ખાતે મુલાકાતે ગઈ હતી. તે દરમિયાન કોઇને મળવા આવેલા રીન્કલ આંબલીયા સાથે પરિચય થયો હતો. આરોપીએ વકીલો સાથે સારી ઓળખાણ હોવાનું કહી પતિ અને દિયરને વહેલી તકે છોડાવી દેવાની લાલચ આપી હતી. પરિણીતા પોલીસ કાર્યવાહીથી અજાણ હોવાથી તેના ભોગ બની ગઈ હતી અને આરોપીએ તેનો કોન્ટેક્ટ નંબર મેળવી લીધો હતો.

ત્યારબાદ આરોપીએ પ્રેમજાળમાં ફસાવી વિડિયો કોલ કરાવી તેના સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધા હતા. આ રેકોર્ડિંગ વાયરલ કરવાની અને પતિ-દિયરને ક્યારેય જેલમાંથી બહાર નહીં આવવા દેવાની ધમકી આપી અવારનવાર હોટેલમાં લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તાંત્રિક વિદ્યા જાણે છે અને પરિવારને પતાવી દેશે તેવી ધમકીઓ આપીને કટકે કટકે ઓનલાઈન રૂા. 10 લાખ રોકડા પણ પડાવી લીધા હતા.

વારંવારના બ્લેકમેઇલિંગથી કંટાળીને અંતે પરિણીતાએ પોતાના સગાને જાણ કરી હતી અને સમગ્ર બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસ અધિકારીઓએ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે સઘન ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી અગાઉ પણ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

તાલુકા પોલીસ મથકના અધિકારીઓએ આ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી ટૂંક સમયમાં પોલીસ પકડમાં હોવાનું જણાવ્યું છે. અગાઉ ઇમિટેશનનું કામ કરનાર અને છૂટાછેડા થયેલા આ શખ્સે જેલ મુલાકાતનો ફાયદો ઉઠાવી અન્ય એક પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસે ગુનો નોંધીને આરોપીના રિમાન્ડ મેળવવા તેમજ સમગ્ર રેકેટ અને અન્ય કોઈ ભોગ બનનાર છે કે નહીં તે દિશામાં વધુ તપાસ આરંભી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande