નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ કરવાની માંગ સાથે જામનગરમાં આવેદન : 80 કોંગ્રેસીઓની અટકાયત
જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા
કોંગ્રેસી નેતાઓની અટકાયત


જામનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને પુનઃ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાયેલા આ વિરોધ કાર્યક્રમ પહેલા જ પોલીસે આયોજક સહિત આશરે ૮૦ કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓની કલાકો સુધી અટકાયત કરી હતી.

આ મોરચાનું નેતૃત્વ કરી રહેલા જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા જે. પી. મારવીયા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર મહામંત્રી ભરત વાળા સહિતના નેતાઓએ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્ટેડિયમનું નામ પુનઃ સરદાર પટેલના નામે રાખવાની માંગણી સાથે કલેક્ટર પી. બી. પંડ્યાને રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

કાર્યક્રમના આયોજક જે. પી. મારવીયાના જણાવ્યા મુજબ, આવેદનપત્ર આપવાના આયોજનની પૂર્વ મંજૂરી હોવા છતાં કાલાવડ પોલીસે સવારે ૯ વાગ્યાથી જ તમામ ૮૦ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આશરે સાડા ત્રણ કલાક સુધી એટલે કે બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.

પોલીસ મુક્તિ બાદ જામનગર પહોંચેલા કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી પહોંચીને પોતાનો કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. ક્રિકેટ સ્ટેડિયમના નામાભિધાન અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ માંગણી અને વિરોધ પ્રદર્શનને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande