
નવી દિલ્હી, 01 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ રવિવારે આંધ્ર પ્રદેશ, અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પોંડીચેરી, પંજાબ અને તમિલનાડુના લોકોને તેમના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વિવિધ પરંપરાઓ સાથે, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આમાંથી દરેક રાજ્ય પોતાની અનોખી સાંસ્કૃતિક વિરાસત, જીવંત પરંપરાઓ અને દેશના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાનથી સમૃદ્ધ છે. આ રાજ્યો વિકાસ, સમૃદ્ધિ અને સર્વસમાવેશક પ્રગતિના પથ પર નિરંતર આગળ વધતા રહે અને 'વિકસિત ભારત'ના વિઝનમાં પોતાનું યોગદાન આપતા રહે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તમિલનાડુના મહેનતુ અને ઉદ્યમી લોકોએ ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. ઉત્પાદન, ઓટોમોબાઈલ અને કાપડથી લઈને ઈલેક્ટ્રોનિક્સ, અવકાશ પ્રૌદ્યોગિકી, આરોગ્ય સેવા તથા ઉભરતા ઉદ્યોગો સુધી, રાજ્યે નવીનતા, કૌશલ્ય અને ઔદ્યોગિક શ્રેષ્ઠતા દ્વારા પોતાને પ્રતિષ્ઠિત કર્યું છે. તમિલનાડુના લોકો પોતાની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાઓ પર ખૂબ ગર્વ કરે છે. તમિલ સંસ્કૃતિએ દેશની સભ્યતા યાત્રાને અસંખ્ય રીતે સમૃદ્ધ કરી છે. આ અવસર આવનારા સમયમાં તમિલનાડુના પ્રત્યેક વ્યક્તિ માટે ખુશીઓ, સફળતા અને નવી તકો લઈને આવે. ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિથી સુશોભિત હરિયાણા રાજ્ય, દેશનું ગૌરવ છે. અહીંની લોક પરંપરાઓ અને જીવંત ગ્રામીણ સંસ્કૃતિએ હંમેશા દેશના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કર્યો છે. હરિયાણાના લોકોએ પોતાની સખત મહેનત અને લગનથી કૃષિ, રમતગમત અને સંરક્ષણ સેવાઓથી લઈને ઉદ્યોગ, શિક્ષણ તથા સ્ટાર્ટઅપ્સ સુધી પોતાની પ્રતિભા અને દ્રઢ સંકલ્પને સાબિત કર્યો છે. અહીંના ખેલાડીઓ તિરંગાનું માન વધારી રહ્યા છે, તો વળી અન્નદાતાઓ દેશની ખાદ્ય સુરક્ષાને મજબૂત કરી રહ્યા છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સમૃદ્ધ સભ્યતાગત વારસો, જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓથી યુક્ત આંધ્ર પ્રદેશ તથા અહીંના લોકોએ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અહીંના લોકોની સખત મહેનત, ઉદ્યમશીલતા અને આકાંક્ષાઓ રાજ્યની વિકાસ યાત્રાને સતત આકાર આપી રહી છે. આંધ્ર પ્રદેશ વિકાસ, સમૃદ્ધિ અને પોતાના તમામ લોકો માટે નવી તકોના પથ પર નિરંતર આગળ વધતો રહે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, મનમોહક પ્રાકૃતિક સૌંદર્ય અને અપાર માનવીય ક્ષમતાઓથી સંપન્ન કેરળ, ભારતના ગૌરવને વધુ વધારે છે. આ રાજ્ય નિરંતર પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધતું રહે. અહીંના પ્રતિભાશાળી લોકોની સખત મહેનત, કૌશલ્ય અને સમર્પણના દમ પર, આંધ્ર પ્રદેશ માત્ર સમૃદ્ધિ તરફ આગળ વધ્યો નથી, પરંતુ દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ