

- માર્ગદર્શન મેળવવા અને જૂથ બનાવવા માટે મિસ્ડ કોલ નંબર: ૯૫૧૦૭૮૧૯૬૮ જાહેર
ગાંધીનગર, 01 નવેમ્બર (હિ.સ.) : જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ, સંગઠિત અને સ્વરોજગારલક્ષી બનાવવાના હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા 'રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન' અંતર્ગત સ્વસહાય જૂથોની રચના અને સશક્તિકરણ માટે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને ખેતી અને પશુપાલન ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓની આવક વધારી તેમને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે આ પહેલ કરવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨૨૬ સ્વસહાય જૂથોને ₹૧૯.૫૩ કરોડની કેશ ક્રેડિટ લોન મંજૂર અને વિતરિત કરવામાં આવી છે. આ નાણાકીય સહાય દ્વારા મહિલાઓ ડેરી વ્યવસાય, પશુપાલન, કૃષિ પ્રવૃત્તિઓ અને નાના ગૃહ ઉદ્યોગો શરૂ કરીને સ્વનિર્ભર બની રહી છે.
૧૦ મહિલાઓનું જૂથ અને નાણાકીય સહાયનો રોડમેપ
ગામની ૧૮ થી ૫૦ વર્ષની વયજૂથ ધરાવતી ૧૦ મહિલાઓ એકત્ર થઈને સ્વસહાય જૂથની રચના કરી શકે છે. જૂથની રચના બાદ પાત્રતા મુજબ શરૂઆતમાં ₹૨,૫૦૦નું સ્ટાર્ટ-અપ ફંડ અને ગ્રેડિંગ બાદ ₹૩૦,૦૦૦નું રિવોલ્વિંગ ફંડ તથા કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવે છે.
જૂથની નિયમિત કામગીરીના ૬ મહિના પૂર્ણ થયા બાદ બેંકિંગ નિયમો અનુસાર ₹૧.૫૦ લાખથી લઈને ₹૨૦ લાખ સુધીની કેશ ક્રેડિટ લોન મળવાપાત્ર રહે છે. સંબંધિત જોગવાઈઓ હેઠળ ૧૦૦% વ્યાજ સહાય મળતી હોવાથી આ ધિરાણ મહિલાઓ માટે સંપૂર્ણપણે વ્યાજમુક્ત બને છે. આ લોનનો ઉપયોગ દૂધાળા પશુઓની ખરીદી, પશુઆહાર, ખેતીના સાધનો અને અન્ય આવકવર્ધક વ્યવસાય માટે કરી શકાય છે.
ત્રણ મુખ્ય ડેરી સંઘો સાથે સંકલન
પશુપાલક અને ખેડૂત બહેનોને વ્યાપક સ્તરે જોડવા માટે DRDA ગાંધીનગર દ્વારા જિલ્લાના ત્રણ અગ્રણી ડેરી સંઘો – ઉત્તમ ડેરી, દૂધસાગર ડેરી અને મધુર ડેરી સાથે સંકલન કરવામાં આવ્યું છે. દરેક દૂધમંડળી વિસ્તારમાં પશુપાલક બહેનોને સંગઠિત કરી જૂથ બનાવવામાં આવશે, જેથી તેઓ સામૂહિક રીતે કેશ ક્રેડિટ અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે.
આરસેટી મારફતે નિઃશુલ્ક વ્યવસાયિક તાલીમ
મહિલાઓને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવા RSETI મારફતે સિલાઈ, બ્યુટી પાર્લર, ફૂડ પ્રોસેસિંગ, પશુપાલન, કમ્પ્યુટર અને કૃષિ આધારિત વિવિધ વ્યવસાયોની તાલીમ સંપૂર્ણપણે મફત આપવામાં આવે છે. તાલીમ દરમિયાન જરૂરિયાત મુજબ રહેવા અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર અને વ્યવસાય શરૂ કરવા બેંક ધિરાણનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે.
મિસ્ડ કોલ સેવા અને જાગૃતિ અભિયાન
સ્વસહાય જૂથની રચના કરવા અથવા માહિતી મેળવવા માટે DRDA ગાંધીનગર દ્વારા મિસ્ડ કોલ સેવા શરૂ કરાઈ છે. માહિતી મેળવવા ઈચ્છુક મહિલાઓએ ૯૫૧૦૭૮૧૯૬૮ પર મિસ્ડ કોલ કરવાનો રહેશે, જેના બાદ DRDA ટીમ સામેથી સંપર્ક કરી સંપૂર્ણ માર્ગદર્શન આપશે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'એકતા પરેડ' પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ સુધી આ યોજનાની માહિતી પહોંચાડવા માટે માહિતીપત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. DRDA ગાંધીનગર દ્વારા જિલ્લાની તમામ બહેનોને પોતાની સખીઓ સાથે મળીને સ્વસહાય જૂથ રચવા અને આત્મનિર્ભર બનવા અપીલ કરવામાં આવી છે.
આમ, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી આ એક અત્યંત સરાહનીય અને પરિણામલક્ષી આજીવિકા પહેલ છે.જેમાં સરળ મિસ્ડ કોલ સેવા અને ક્ષેત્રીય માર્ગદર્શન દ્વારા આ યોજના ગ્રામીણ બહેનોના આર્થિક અને સામાજિક સ્તરને ઊંચું લાવવામાં તેમજ 'સમૃદ્ધ પરિવાર અને સમૃદ્ધ ગામ'નું સપનું સાકાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ