વેરાવળમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ 11 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી
અંદાજે ૧.૬૦ લાખ લીટર પાણીનો મારો ચલાવી ભીષણ આગ બૂઝાવતું ફાયર વિભાગ. ગીર સોમનાથ, 11 નવેમ્બર (હિ.સ.) : વેરાવળમાં સાંઈબાબા મંદિરની પાસે ડૉ.ગોડસે હોસ્પિટલની પાછળ ગોકુલનગરમાં આવેલા બે ભંગારનાં ગોડાઉનમાં લાગેલી આગે ભીષણરૂપ ધારણ કર્યુ હતું. જોકે, પર્વ
વેરાવળમાં ભંગારના ગોડાઉનમાં


- અંદાજે ૧.૬૦ લાખ લીટર પાણીનો મારો ચલાવી ભીષણ આગ બૂઝાવતું ફાયર વિભાગ.

ગીર સોમનાથ, 11 નવેમ્બર (હિ.સ.) : વેરાવળમાં સાંઈબાબા મંદિરની પાસે ડૉ.ગોડસે હોસ્પિટલની પાછળ ગોકુલનગરમાં આવેલા બે ભંગારનાં ગોડાઉનમાં લાગેલી આગે ભીષણરૂપ ધારણ કર્યુ હતું. જોકે, પર્વ દરમિયાન ગીર સોમનાથ ફાયર વિભાગે સતર્કતા દાખવતા ૧.૬૦ લાખ લીટર પાણીનો મારો ચલાવી ૧૦ થી ૧૧ કલાકની આકરી જહેમત બાદ ભીષણ આગ બૂઝાવવામાં આવી હતી.

રિલાયન્સ મોલની સામે ગોકુલનગરમાં ગઈકાલે બપોરે સાડાત્રણ થી ચાર કલાકે કોઈ કારણોસર આગ લાગી હતી. વધુમાં ભંગારનાં ગોડાઉનમાં ઈલેક્ટ્રિક વેસ્ટ અને પ્લાસ્ટિકનો માલસામાન પડેલો હોવાના કારણે આગ વધુ પ્રસરી હતી.

ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વેરાવળ ફાયર વિભાગને મેજર કૉલ મળ્યો હતો.

આગ લાગવાની જાણ થતાં જ વેરાવળ ફાયર સ્ટેશનના જમાદાર સુનીલ ચુડાસમાના નેતૃત્વમાં વેરાવળના લાર્જ કેપેસિટીના ચાર ફાયર ફાઇટર્સ અને ઈન્ડિયન રેયોન ફાયર અને સિક્યોરિટી મેનેજર સુનિલ યાદવના નેતૃત્વ હેઠળની ઈન્ડિયન રેયોનની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.

ફાયર સ્ટેશનના જમાદાર સુનીલ ચુડાસમાના જણાવ્યાનુસાર ફોમ ટેન્ડર સહિત કુલ છ ફાયર ફાઇટર્સથી ૧.૬૦ લાખ લીટર પાણીનો અવિરત મારો ચલાવી ૧૦ થી ૧૧ કલાકની આકરી જહેમત બાદ સવારે ૪.૦૦ કલાકની આસપાસ ભીષણ આગને કાબૂમાં લેવામાં આવી હતી. ભંગારના પ્લાસ્ટિક વેસ્ટના કારણે વધુ ધૂમાડો પ્રસર્યો હતો. જેથી ફાયરટીમને થોડી વધુ મુશ્કેલી અનુભવાઈ હતી. જોકે, સમગ્ર ટીમે અવિરત કામગીરી કરતાં અંતે આગને બૂઝાવવામાં સફળતા મળી હતી.

આગના મેજર કૉલ મળ્યા પછી તરત જ ફાયરમેન વિક્રમભાઈ, જીતેન્દ્રસિંહ, ભૌમિકસિંહ, ભાવેશભાઈ, મયંકભાઈ, મનિષસિંહ, વિજયભાઈ, રોહિતભાઈ તથા નગરપાલિકા ફાયર ટીમના સહયોગમાં ઈન્ડિયન રેયોન ફાયર ટીમના રમેશભાઈ, યોગેશભાઈ, સંજયભાઈ, રોહિતભાઈ, સતિષભાઈ, દેવાભાઈ વગેરે ફાયર ટીમના સભ્યોની આકરી મહેનત, સતર્કતા અને સમયસૂચકતાથી સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.

ઉપરાંત દિવાળી પર્વ દરમિયાન વેરાવળ ફાયર વિભાગને આગની કેટલીક એવી ઘટનાઓ ફાયર ટીમના ધ્યાન પર આવી હતી, જેની સમયસર નોંધ લેવામાં આવી ન હોત તો થોડા સમયમાં તે મોટી દુર્ઘટનાનું સ્વરૂપ ધારણ કરી શકી હોત.

તહેવારો દરમિયાન વેરાવળ ફાયર વિભાગને વેરાવળ રાયલી ગોડાઉન પાસે લાકડાના ઢગલામાં લાગેલી આગ, માલજિંજવા રોડ પર શેરડીના ઉભા પાકમાં લાગેલી આગ, ભીડિયા વિસ્તારમાં કચરાના ઢગલામાં લાગેલી આગની ઘટનાઓના કૉલ મળ્યા હતા.

આ તમામ કૉલને ધ્યાને લઈ ફાયર ટીમ દ્વારા સમયસર કામગીરી કરવામાં આવી હતી અને તમામ સ્થળોએ ત્વરિત આગ બૂઝાવવામાં આવી હતી. જેથી સદનસીબે પર્વ દરમિયાન આ સ્થળોએ કોઈ મોટી કે ગંભીર આગની દુર્ઘટના સર્જાઈ નહોતી.

આમ, તહેવારોના સમયગાળામાં 'ફરજ અને જવાબદારી પ્રથમ'ની ભાવના સાથે પ્રશંસનીય કામગીરી કરતાં પર્વ દરમિયાન વેરાવળ ફાયર ટીમે પોતાની સંપૂર્ણ કાર્યનિષ્ઠા દર્શાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande