લાટી ગામે વહેલી સવારે સિંહનો આતંક: 22 બકરીઓનું મારણ થતાં પશુપાલકને મોટું નુકસાન
ગીર સોમનાથ, 11 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વહેલી સવારે સિંહે વાડામાં ઘૂસી 22 બકરીઓનું મારણ કરતાં પશુપાલક પરિવારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. સિંહના આ હુમલાને પગલે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મકવાણા સાજણભા
લાટી ગામે વહેલી સવારે સિંહનો આતંક


ગીર સોમનાથ, 11 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે વહેલી સવારે સિંહે વાડામાં ઘૂસી 22 બકરીઓનું મારણ કરતાં પશુપાલક પરિવારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. સિંહના આ હુમલાને પગલે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મકવાણા સાજણભાઈ કેચુરભાઈને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, લાટી ગામે મકવાણા સાજણભાઈ કેચુરભાઈની માલિકીનો વાડો આવેલો છે. જેમાં તેઓ બકરીઓનું પાલન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન વહેલી સવારે આશરે ચાર વાગ્યાના અરસામાં એક સિંહ વાડામાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી બકરીઓ પર હુમલો કર્યો હતો. સિંહે એક પછી એક બકરીઓને નિશાન બનાવતાં કુલ 22 બકરીઓનું મારણ થયું હતું. વહેલી સવારના સમયે બનેલી આ ઘટનાથી પશુપાલકને મોટો આર્થિક ફટકો પડ્યો છે.

ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે સુત્રાપાડા વન વિભાગને જાણ કરવામાં આવતાં સુત્રાપાડા ફોરેસ્ટર એન.એન. છેલાણા વન વિભાગના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની પ્રાથમિક વિગતો મેળવી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાને પગલે પશુપાલકોમાં પોતાના પશુધનની સુરક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડામાં બાંધવામાં આવતાં પશુઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બીજી તરફ, આર્થિક રીતે પશુપાલન પર નિર્ભર પરિવારોને આવી ઘટનાઓથી મોટું નુકસાન સહન કરવું પડે છે.

સ્થાનિક પશુપાલકો દ્વારા વન વિભાગને વિસ્તારમાં વન્યપ્રાણીઓની અવરજવર અંગે જરૂરી તકેદારી રાખવા તેમજ નુકસાન અંગે નિયમ મુજબ સર્વે કરી વળતરની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande