1971ના યુદ્ધની વીરાંગનાઓના શૌર્યને સલામ! ભુજમાં પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચે દિવાળીનો અનોખો સ્નેહસેતુ
દાદા-દાદી પાર્કમાં શી ટીમ પોલીસ અને હાસ્ય પરિવાર સંઘનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, યુદ્ધકાળની ઐતિહાસિક યાદો વાગોળાઈ, વડીલોને મીઠાઈ આપી મેળવ્યા આશીર્વાદ. કચ્છ, 11 નવેમ્બર (હિ.સ.) : ભુજમાં દિવાળીના પર્વની ઉજવણી માત્ર દીવા અને મીઠાઈઓ પૂરતી સીમિત ન
દાદા દાદી પાર્ક સ્નેહમિલન


દાદા દાદી પાર્ક સ્નેહમિલન


- દાદા-દાદી પાર્કમાં શી ટીમ પોલીસ અને હાસ્ય પરિવાર સંઘનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, યુદ્ધકાળની ઐતિહાસિક યાદો વાગોળાઈ, વડીલોને મીઠાઈ આપી મેળવ્યા આશીર્વાદ.

કચ્છ, 11 નવેમ્બર (હિ.સ.) : ભુજમાં દિવાળીના પર્વની ઉજવણી માત્ર દીવા અને મીઠાઈઓ પૂરતી સીમિત ન રહેતાં દેશભક્તિ, સન્માન અને માનવતાની લાગણીઓ સાથે કરવામાં આવી હતી. શહેરના દાદા-દાદી પાર્ક ખાતે પશ્ચિમ કચ્છ પોલીસની શી ટીમ અને વરિષ્ઠ નાગરિકોની સંસ્થા હાસ્ય પરિવાર સંઘ દ્વારા સંયુક્ત રીતે વિશેષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક તરફ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજની ધરતી પર અદભુત હિંમત દાખવનાર વીરાંગનાઓનું સન્માન કરાયું હતું, તો બીજી તરફ વડીલો સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ થયો હતો.

સમારોહમાં 1971ના યુદ્ધની યાદોએ વિશેષ ભાવનાત્મક માહોલ સર્જ્યો હતો. તે સમયે પાકિસ્તાનના બોમ્બમારાને કારણે ભુજ એરફોર્સની એરસ્ટ્રીપને ભારે નુકસાન થયું હતું. યુદ્ધની ગંભીર પરિસ્થિતિ વચ્ચે એરસ્ટ્રીપને ફરી કાર્યરત કરવા માટે સ્થાનિક મહિલાઓએ રાતોરાત હાથ ધરેલા શ્રમ અને સાહસની ગાથા આજે પણ દેશના ઇતિહાસમાં ગૌરવભેર યાદ કરવામાં આવે છે. આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી રહેલી વીરાંગના બહેનોએ પોતાના અનુભવો અને સંસ્મરણો ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યા હતા. તેમની વાતોમાંથી દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને મુશ્કેલ સમયમાં મહિલાઓએ નિભાવેલી જવાબદારીની પ્રેરણાદાયી ઝલક જોવા મળી હતી. ઉપસ્થિત લોકોએ વીરાંગનાઓના યોગદાનને બિરદાવી તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તેમના ધર્મપત્ની, માતા અને પુત્ર અર્જુન સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડીલો સાથે સમય વિતાવી સ્નેહ અને આત્મીયતાનો પરિચય કરાવ્યો હતો. શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓએ પાર્કમાં હાજર વરિષ્ઠ નાગરિકોને મીઠાઈનાં બોક્સ અર્પણ કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ કર્મીઓએ વડીલોના આશીર્વાદ મેળવી તેમની સુરક્ષા, મદદ અને સન્માન માટે પોલીસ હંમેશાં સાથે હોવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમમાં શી ટીમનાં એએસઆઇ શીતલબેન, એએસઆઇ યશોદાબેન, હેડ કોન્સ્ટેબલ ગાયત્રીબેન, નીરૂબેન અને કોન્સ્ટેબલ ટીનાબેન સહિતના મહિલા પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાસ્ય પરિવાર સંઘના પ્રમુખ જગદીશભાઈ ગોર, મંત્રી વિનોદભાઈ સલાટ, નિવૃત્ત ડીવાયએસપી જી.આર. ગઢવી, એમ.આઇ. બાયડ, ભાસ્કરભાઈ લેવા, જસ્મીનભાઈ કારેલીયા, યોગેશભાઈ અને ભરતભાઈ ચારણ સહિતના અગ્રણીઓ તથા સંસ્થાના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ સ્નેહમિલન માત્ર તહેવારની ઉજવણી બનીને ન રહેતાં નવી પેઢી માટે ઇતિહાસના ગૌરવને જાણવાની અને વડીલો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક યાદગાર તક બની રહ્યું હતું. ખાખીની ફરજ અને સમાજ પ્રત્યેની સંવેદનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યક્રમમાં દેશભક્તિ, વડીલોનું સન્માન અને માનવતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande