
પાટણ, 11 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામથી માતાજીના ભક્તો દ્વારા પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંઘમાં ગામના 50થી વધુ માઈભક્તો જોડાઈને આજે પાવાગઢ જવા માટે પ્રસ્થાન કરશે. યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.
મેસર ગામથી પાવાગઢ સુધી પગપાળા સંઘયાત્રા યોજવાની પરંપરા છેલ્લા 15 વર્ષથી સતત જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં માઈભક્તો આ સંઘયાત્રામાં જોડાઈને માતાજીનાં દર્શન કરવા નીકળે છે. આ યાત્રા ગામના લોકોમાં ધાર્મિક આસ્થા અને એકતાનું પ્રતીક બની છે.
આ સંઘયાત્રામાં જોડાયેલા તમામ માઈભક્તો આગામી 16 નવેમ્બરના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર ખાતે પહોંચશે. ત્યાં માતાજીના દર્શન કરી ધાર્મિક વિધિ સાથે ધજા ચડાવશે અને આશીર્વાદ મેળવશે. સંઘયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય અને તમામ ભક્તોની યાત્રા સુખરૂપ રહે તેવી ભાવના સાથે ભક્તો માતાજીના જયઘોષ સાથે પ્રસ્થાન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ