
ભાવનગર, 11 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે આવેલા શ્રી આંબલીવાળા હનુમાનજી મહારાજ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે મારુતિ યુવક મંડળ દ્વારા શ્રી રામચરિતમાનસ પારાયણનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.
શ્રી રામચરિતમાનસ પારાયણના આયોજનથી સમગ્ર ગામમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ભગવાન શ્રીરામના જીવનચરિત્ર, આદર્શો અને તેમના જીવનમૂલ્યોનું વર્ણન કરતી રામચરિતમાનસ કથાના શ્રવણથી ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ધર્મ અને સંસ્કૃતિના સંદેશનું પાથેય મેળવ્યું હતું.
આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધારના કાર્ય સાથે જોડાયેલા ધાર્મિક અને સામાજિક મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. ગામના યુવાનો દ્વારા ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવા તથા સમાજમાં આધ્યાત્મિક ભાવનાનો સંચાર થાય તેવા હેતુથી કરવામાં આવેલી આ પહેલ સરાહનીય બની રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA