
પાટણ, 11 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામનાં રૂત્વાબેન વિરમજી ઠાકોરની રેવન્યુ તલાટી તરીકે પસંદગી થતાં ગામ અને પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમની આ સફળતાને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા કારોબારી અધ્યક્ષ પ્રહલાદજી ઠાકોરે રૂત્વાબેનનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. સાથે જ ગુજરાતની વિશ્વવિખ્યાત ધરોહર રાણીની વાવનો સુંદર ફોટો ભેટ સ્વરૂપે અર્પણ કરી તેમની સિદ્ધિને બિરદાવી હતી.
પ્રહલાદજી ઠાકોર સહિત ઉપસ્થિત લોકોએ રૂત્વાબેનને આ નવી જવાબદારી માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આગામી સમયમાં પોતાની ફરજ નિષ્ઠા, પ્રમાણિકતા અને જવાબદારીપૂર્વક નિભાવી જનસેવાના ક્ષેત્રમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. રૂત્વાબેનની આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ