પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી રવિ પાકોનું ઉત્તમ ઉત્પાદન મેળવવા ખેતીવાડી ખાતાનો અનુરોધ
ગાંધીનગર, 11 નવેમ્બર (હિ.સ.) : રવિ ઋતુ દરમિયાન સિંચાઈ માટે પાણીનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. ખેડૂતોએ પાકની વાસ્તવિક જરૂરિયાત, જમીનનો ભેજ અને પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ પિયત આયોજન કરવું જોઈએ. આ અંગે ખેતીવાડી ખાતા દ્વા
પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી રવિ પાકોનું ઉત્તમ ઉત્પાદન મેળવવા ખેતીવાડી ખાતાનો અનુરોધ


ગાંધીનગર, 11 નવેમ્બર (હિ.સ.) : રવિ ઋતુ દરમિયાન સિંચાઈ માટે પાણીનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. ખેડૂતોએ પાકની વાસ્તવિક જરૂરિયાત, જમીનનો ભેજ અને પાણીની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ પિયત આયોજન કરવું જોઈએ. આ અંગે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોના માર્ગદર્શન માટે ખાસ સલાહસૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

જમીનમાં ભેજ ચકાસીને પિયત આપતા પહેલા ખેતરમાં ભેજનું પ્રમાણ તપાસવું. પૂરતો ભેજ હોય તો પિયત આપવાનું ટાળવું.

કટોકટીની અવસ્થાએ પિયત: પાણીની અછત હોય ત્યારે વારંવાર પિયત આપવાને બદલે પાકની કટોકટીની અવસ્થાએ જ પિયત આપવું. ઓછી સિંચાઈ સુવિધા હોય ત્યાં ઓછા પાણીમાં પાકતા પાકોની પસંદગી કરવી.

આધુનિક પિયત પદ્ધતિઓ: ટપક (Drip) અને ફુવારા (Sprinkler) પદ્ધતિ અપનાવવાથી ૪૦ થી ૫૦ ટકા પાણીની બચત થાય છે. પાણીની તંગી હોય ત્યારે એક ચાસ છોડીને બીજા ચાસમાં પિયત આપવાની પદ્ધતિ અપનાવવી.

જમીનમાં ભેજ લાંબો સમય જાળવી રાખવા પાકના સુકા અવશેષોનું આચ્છાદન (મલ્ચિંગ) કરવું. જમીનમાં તિરાડો પડે ત્યારે હળવી આંતરખેડ કરી તિરાડો પૂરવી અને બિનજરૂરી ખેડ અટકાવવી.

રેતાળ અને હલકી જમીનમાં સમયાંતરે થોડું-થોડું પાણી આપવું, જ્યારે કાળી અને ભારે જમીનમાં ભેજ ધારણશક્તિ વધુ હોવાથી ઉતાવળે પિયત ન આપવું. ખેતર સમતળ રાખવું જેથી પાણીનો સમાન ફેલાવો થાય. કૂવા, બોરવેલ કે નહેરની પાણીની ઉપલબ્ધતા મુજબ જ પિયતનું આયોજન કરવું. ધોરિયા કે પાઇપલાઇનમાં લીકેજ હોય તો તાત્કાલિક રીપેર કરાવવું અને શક્ય હોય ત્યાં ભૂગર્ભ પાઇપલાઇન (Underground Pipeline) નો ઉપયોગ કરવો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande