અમદાવાદ– સાણંદે 'સ્વચ્છ શહેર જોડી' શ્રેણીમાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) ના શહેરી વિકાસ વિભાગ (DoUD) દ્વારા આયોજિત વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26 માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના સૌથી સ્વચ્છ શહેર
નવી દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો


નવી દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) ના શહેરી વિકાસ વિભાગ (DoUD) દ્વારા આયોજિત વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26 માં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના સૌથી સ્વચ્છ શહેરોનું સન્માન કર્યું હતું. MoHUA અને ઊર્જા મંત્રી મનોહર લાલ અને MoHUA ના રાજ્ય મંત્રી તોખન સાહૂની ઉપસ્થિતિમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે 5 શ્રેણીઓ હેઠળ 60 રાષ્ટ્રીય એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે:

સ્વચ્છ શહેર જોડી (SSJ)

ક્લીન સીટીઝ ઓફ સુપર સ્વચ્છ લીગ

5 વસતી શ્રેણીઓમાં સ્વચ્છ શહેર

સ્વચ્છ રિવર ફ્રન્ટ ટાઉન

સ્વચ્છ કોસ્ટલ ટાઉન

ક્લીન હિમાલયન સીટી

સ્ટેટ ફર્સ્ટ સ્વચ્છ સીટી

આ કાર્યક્રમમાં બોલતા, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર કોઈ એક સંસ્થાના પ્રયાસોથી પ્રાપ્ત કરી શકાતી નથી અને તેના માટે તમામ હિતધારકોની સક્રિય ભાગીદારી જરૂરી છે. તેમણે નાગરિક ભાગીદારી, વર્તણૂકીય ફેરફાર, વહીવટી જવાબદારી અને સતત જાહેર જોડાણના મહત્વ પર ભાર મૂક્યો હતો. નાની ઉંમરથી જ સ્વચ્છતાના મૂલ્યો કેળવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા, તેમણે પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન જેવા મુદ્દાઓને શાળાના અભ્યાસક્રમમાં એકીકૃત કરવા અને બાળકો તથા યુવાનો સાથે સતત સંવાદ સાધવા આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે નાગરિકો, સ્થાનિક વહીવટીતંત્ર અને સ્વચ્છતા કામદારો એકસાથે કામ કરે છે ત્યારે અને જ્યારે સ્વચ્છતા કામદારોના જમીની સૂચનો અને નાગરિકોના પ્રતિસાદને યોગ્ય મહત્વ આપવામાં આવે છે ત્યારે સ્વચ્છતામાં અર્થપૂર્ણ પ્રગતિ શક્ય બને છે. તેમણે કોલેબોરેટિવ લર્નિંગ (સહયોગી શિક્ષણ) ના નવા પરિમાણ તરીકે સ્વચ્છ શહેર જોડી પહેલની પણ પ્રશંસા કરી હતી, જે શહેરોને ઇનોવેશન્સ શેર કરવા, ઉકેલો ચકાસવા અને શહેરી સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો પ્રાપ્ત કરવા માટે એકબીજાને ટેકો આપવા સક્ષમ બનાવે છે.

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 ના પરિણામો સમગ્ર શહેરી ભારતમાં એક મજબૂત ઊર્ધ્વગામી ગતિ દર્શાવે છે, જેમાં 350 થી વધુ ULBs એ તેમના સ્થાનમાં 500 થી વધુ રેન્કનો સુધારો કર્યો છે. નાના શહેરો આ પરિવર્તનના મુખ્ય ચાલક બળ તરીકે ઉભરી આવ્યા છે, કારણ કે 50,000 થી ઓછી વસતી ધરાવતા 1,700+ ULBs એ 2024–25 ની સરખામણીએ તેમના રેન્કિંગમાં સુધારો કર્યો છે, જે દર્શાવે છે કે સતત પ્રયાસો અને નાગરિક ભાગીદારી તમામ કદના નગરોમાં સ્વચ્છતા આંદોલનને વેગ આપી રહી છે.

સહયોગી પ્રયાસો અને પીઅર-લર્નિંગ (સાથી સીખ) માં ઉત્કૃષ્ટતા દર્શાવતા, મેન્ટર શહેર અમદાવાદ અને મેન્ટી શહેર સાણંદ, મેન્ટર ઇન્દોર અને મેન્ટી દેપાલપુર અને મેન્ટર તિરુપતિ અને મેન્ટી કુપ્પમ, સ્વચ્છ શહેર જોડી એવોર્ડ હેઠળ ટોચના ક્રમાંકિત જોડી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ટોચની 3 સ્વચ્છ શહેર જોડીઓની ઓળખ મેન્ટર સીટી (SS 2024-25 એવોર્ડી) અને તેના સાથે જોડાયેલા મેન્ટી સીટીના સંયુક્ત સ્કોરના આધારે કરવામાં આવી છે. તે સ્વચ્છ શહેર જોડી પહેલ હેઠળ બંને શહેરોના સંયુક્ત પ્રદર્શન અને સહયોગી પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે, જેથી એકંદર સ્વચ્છતા અને સેવા વિતરણ સુધારણાઓની સાથે મેન્ટરશિપના પરિણામોને માન્યતા મળે. જોડી એવોર્ડનો હેતુ એ છે કે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શહેરોએ તેમના પ્રદર્શનમાં સુધારો કરવા માટે ઓછા સ્કોર ધરાવતા શહેરોને માર્ગદર્શન આપવું જોઈએ. આ પહેલ 2024-25 એવોર્ડ સમારોહ પછી 'ઈચ વન - ટીચ વન' ના ઉદ્દેશ્ય સાથે અને ભારતની કાલાતીત ગુરુ-શિષ્ય પરંપરામાં મૂળ ધરાવે છે, જ્યાં જ્ઞાન, અનુભવ અને શ્રેષ્ઠ પ્રથાઓ એક શહેરથી બીજા શહેરમાં સ્થાનાંતરિત થાય છે જેથી શહેરી ઉત્કૃષ્ટતા અને સ્વચ્છતા તરફની યાત્રાને સામૂહિક રીતે આગળ ધપાવી શકાય.

સ્વચ્છ સર્વેક્ષણની 10મી આવૃત્તિના ભાગરૂપે, વર્ગીકરણ, કચરાનું એકત્રીકરણ અને પરિવહન, ઘન કચરા વ્યવસ્થાપન, દ્રશ્યમાન સ્વચ્છતા, સેનિટેશન સુધી પહોંચ, ડીસ્લજિંગ સેવાઓનું યાંત્રિકીકરણ, ઇકોસિસ્ટમ સ્ટ્રેન્ધનિંગ અને ઇન્સ્ટિટ્યૂટિશનલ પેરામીટર્સ, યુઝ્ડ વોટર મેનેજમેન્ટ, સ્વચ્છતા માટે એડવોકેસી, સફાઈમિત્રોનું એકંદર કલ્યાણ, સિટિઝન ફીડબેક અને ગ્રીવન્સ રેડ્રેસલ સહિત 10 નિર્ણાયક ડોમેન્સને આવરી લેતા 43 સૂચકાંકો (ઇન્ડિકેટર્સ) પર અર્બન લોકલ બોડીઝ (ULBs) નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. રીયલ-ટાઇમ GPS-સક્ષમ મોનિટરિંગ દ્વારા સમર્થિત, 3,000 થી વધુ તાલીમબદ્ધ એસેસર્સે દેશવ્યાપી વ્યાપક જમીની મૂલ્યાંકન હાથ ધર્યું હતું. પુરાવા સબમિટ કરવાથી લઈને ચકાસણી સુધી, સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ, પારદર્શક અને સખત ગુણવત્તા-આશ્વાસન માળખા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે દરેક તબક્કે વિશ્વસનીયતા અને સુસંગતતા સુનિશ્ચિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande