અમૂલ દૂધના ભાવમાં વધારો, આજથી નવા ભાવ અમલમાં
અમૂલ તાજા ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 અને અમૂલ ગોલ્ડના ભાવમાં રૂ.4નો વધારો ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા દૂધના મુખ્ય વેરિયન્ટ
અમૂલ દૂધ


- અમૂલ તાજા ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 અને અમૂલ ગોલ્ડના ભાવમાં રૂ.4નો વધારો

ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા દૂધના મુખ્ય વેરિયન્ટ અને પેકની કિંમતોમાં 4થી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં આ નવા ભાવ 12 નવેમ્બર, 2026થી અમલી બનશે.

અમૂલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, સૌથી વધુ વેચાતા 3 ટકા મિલ્ક ફેટ ધરાવતા અમૂલ તાજા ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે તેની કિંમતમાં 3.3 ટકાનો વધારો થયો છે. જ્યારે 6 ટકા મિલ્ક ફેટ ધરાવતા અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે, જે 5.5 ટકા જેટલો થાય છે.

ફેડરેશનના જણાવ્યા અનુસાર, દૂધના ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં થયેલા વધારાને કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ઘાસચારો, પશુઆહાર માટે વપરાતી સામગ્રી જેવી કે ખોળ, મકાઈ અને મોલાસિસ ઉપરાંત દૂધના પેકેજિંગ માટેની ફિલ્મ તથા ઇંધણના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ઓછો અને અનિયમિત વરસાદ પડવાથી પણ પશુપાલન ક્ષેત્ર સામે પડકારો ઊભા થયા છે.

ફેડરેશને વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકોને ઉત્પાદન ખર્ચની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી છેલ્લા એક વર્ષમાં સભ્ય દૂધ મંડળીઓ દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદભાવમાં પણ 4થી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે વધુ સહાય મળી રહે તે માટે આ પ્રકારના ભાવ સુધારા જરૂરી છે.

અમૂલ સહકારી માળખા અંતર્ગત ગ્રાહકો પાસેથી એકત્રિત થતી આવકનો, આશરે 80 ટકા હિસ્સો દેશના 36 લાખ દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધના ભાવમાં કરવામાં આવેલા આ સુધારાથી દૂધ ઉત્પાદકોને લાભદાયી કિંમતો મળી રહેવાની સાથે તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે તેમ ફેડરેશન દ્વારા જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande