ભગવાન બિરસા મુંડાની 151 મી જન્મજયંતીએ રાજ્યભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન. - રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ‘જોહર કેફે’ શરુ કરાશે.- આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારો ખાતે ‘શબરી બુથ’ ખાતેથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે. ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : આદિવ
ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ


ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ


ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ


- ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન.

- રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ‘જોહર કેફે’ શરુ કરાશે.- આદિજાતિ ક્ષેત્રોના હાટ બજારો ખાતે ‘શબરી બુથ’ ખાતેથી આદિજાતિ વિકાસ અંગેની માહિતીનું વિતરણ કરાશે.

ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : આદિવાસી સમાજના ગૌરવ અને મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીના અવસરે ગુજરાતમાં ૧૨ નવેમ્બર થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ સુધી રાજ્યભરમાં 'રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવણી થશે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, રાજ્ય મંત્રી સર્વે પી.સી. બરંડા, ડો. જયરામભાઈ ગામીત અને રમેશભાઈ કટારા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની નાની વયે અંગ્રેજો સામે જળ, જંગલ અને જમીન માટે અદભુત લડત આપનાર ભગવાન બિરસા મુંડાજી સહિત આદિવાસી ક્રાંતિકારીઓના અમૂલ્ય યોગદાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૧૫ નવેમ્બરને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે જાહેર કરીને ઐતિહાસિક સન્માન આપ્યું છે.

નરેશ પટેલે કહ્યું કે, આગામી ૧૫ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત રાજ્યમાં રૂ. ૨,૩૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, આદિવાસી સમાજની માંગણીને સંતોષી આ વર્ષે ૧૮,૮૨૮ થી વધુ લાભાર્થીઓને ૭/૧૨ની નોંધ સાથેના જમીનના અધિકારપત્રો એનાયત કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના હાટ બજારોમાં સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવા અને પ્રાકૃતિક ખેતી તેમજ ખાનપાનની વસ્તુઓના વેચાણ માટે ‘શબરી બુથ’ શરૂ કરવામાં આવશે. તદુપરાંત, આ આદિવાસી જિલ્લાઓમાં સ્થાનિક વાનગીઓ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ૧૪ ‘જોહાર કેફે’ પણ શરૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં જ્યાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા નથી, ત્યાં નવી પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા-જિલ્લા મથકોને જોડતા મુખ્ય માર્ગો, સર્કલો અને આદિજાતિ વિદ્યાર્થીઓની હોસ્ટેલોનું નામકરણ પણ ભગવાન બિરસા મુંડાના નામે કરવામાં આવશે.

મંત્રીએ આદિજાતિ ક્ષેત્રમાં થયેલા વિકાસ અંગેનું વિવરણ આપતા કહ્યું કે, વર્ષ ૨૦૦૭માં માત્ર રૂ. ૧૫ હજાર કરોડથી શરૂ થયેલી ‘વનબંધુ કલ્યાણ યોજના’નું બજેટ આજે વધીને રૂ. ૨ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જેના પરિણામે આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ આજે મેડિકલ, એન્જિનિયરિંગ અને IIT જેવી દેશની ઉચ્ચ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ જય જોહારના નાદ સાથે મીડિયા મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપણી જમીન, આપણું રાજનું સૂત્ર આપનાર ભગવાન બિરસા મુંડાજીનો સંદેશ ગુજરાતના જન-જન સુધી પહોંચે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સંગઠનના માર્ગદર્શન હેઠળ રાજ્યવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૨ થી ૧૮ નવેમ્બર દરમિયાન ૧૪ આદિવાસી જિલ્લાઓની ૫૫ વિધાનસભા બેઠકો, ૩૪ જિલ્લાઓ અને ૧૭ મહાનગરપાલિકાઓમાં સપ્તાહવ્યાપી કાર્યક્રમો યોજાશે.

આ શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શરૂઆત ૧૨ નવેમ્બરે રાજ્યકક્ષાની તથા તમામ જિલ્લા અને મહાનગરોમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. ત્યારબાદ, ૧૩ નવેમ્બરે આદિવાસી વિસ્તારની ૫૫ વિધાનસભા બેઠકો પર અંદાજે ૫૦૦ યુવાનોની ઉપસ્થિતિમાં 'યુવા સભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓ થકી યુવાનોને ભગવાન બિરસા મુંડાના પ્રેરણાદાયી જીવન ચરિત્ર વિશે માહિતગાર કરવામાં આવશે.

સપ્તાહના આગામી કાર્યક્રમોની વિસ્તૃત વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, તા. ૧૪ નવેમ્બરના રોજ સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાઓ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે, ત્યારબાદ બપોરે ૧૧ થી ૧ દરમિયાન સ્થાનિક સાધુ-સંતો તથા ગાદીપતિઓનું શાલ અને ફૂલહારથી સન્માન કરાશે. તે જ દિવસે સાંજે ૬ કલાકે રાજ્યની ૪,૫૦૦ થી વધુ આદિવાસી ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાજીના ઇતિહાસનું પઠન, ૧૨ થી ૧૩ આદિવાસી બોલીઓમાં તૈયાર થયેલી વિશેષ આરતી અને ઘરે-ઘરે દીપોત્સવની ઉજવણી કરાશે.

તા. ૧૫ નવેમ્બરે ૧૪ આદિજાતિ જિલ્લાઓ, ૨૦ બિન આદિજાતિ જિલ્લાઓ અને ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્યમંત્રી, ના. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ જાહેર સભાઓ યોજાશે. આ શ્રેણીમાં તા. ૧૬ નવેમ્બરે આદિવાસી સમાજના નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો અને પ્રગતિશીલ આગેવાનોનું 'પ્રબુદ્ધ નાગરિક સંમેલન' યોજાશે. ત્યારબાદ તા. ૧૭ નવેમ્બરે ૫૫ વિધાનસભા બેઠકો પર પરંપરાગત રમતોત્સવ રમાશે અને તા. ૧૮ નવેમ્બરે દરેક વિધાનસભા ક્ષેત્રમાં અંદાજે ૫૦૦ આદિજાતિ બહેનોની ઉપસ્થિતિમાં વિશાળ 'મહિલા સભા' સાથે આ સપ્તાહવ્યાપી ઉજવણીનું ભવ્ય સમાપન થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં આદિજાતિ વિકાસ નિયામક રચિત રાજ સહિત આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સમૂહ માધ્યમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande