
- અઢી લાખથી વધુનું નુકસાન.
ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે ફેક્ટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફેક્ટરીમાં રાખેલો પ્લાસ્ટિકનો મોટો જથ્થો અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતો રો-મટીરીયલ આગની લપેટમાં આવી ગયો હતો.
આગની ઘટનામાં ફેક્ટરીમાં રહેલો પ્લાસ્ટિકનો જથ્થો તેમજ અન્ય કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે ફેક્ટરીના માલિકને અંદાજે અઢી લાખ રૂપિયાથી વધુનું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી ભારે જહેમત ઉઠાવી હતી. લાંબી કામગીરી બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગના કારણે થયેલા નુકસાનને પગલે ફેક્ટરીના માલિકને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA