
- કાલાવડ રોડ ફાયર સ્ટેશનની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો; કિચન નજીક LPG સિલિન્ડરનો જથ્થો હોવા છતાં જાનહાનિ ટળી.
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પિરિયલ હોટલની કિચન ચીમનીમાં બુધવારે બપોરે અઢી વાગ્યે આગ લાગી હતી. અગાશી પર ધુમાડા દેખાતા હોટલ મેનેજરે 112 પર જાણ કરી હતી. કાલાવડ રોડ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. કિચન પાસે LPG સિલિન્ડરનો જથ્થો હોવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પિરિયલ હોટલમાં 11 નવેમ્બર, બુધવારના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. હોટલના કિચન એરિયામાંથી અગાશી સુધી જતા એક્ઝોસ્ટ હેડ એટલે કે ચીમનીમાં આગ લાગવાને કારણે અગાશી પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનાને પગલે હોટલ પરિસર અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોટલ મેનેજર દ્વારા તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને મદદ માંગવામાં આવી હતી.
112 પર કોલ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના પગલે કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને થોડા જ સમયમાં પરિસ્થિતિ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
તપાસ દરમિયાન હોટલના કિચન એરિયાની નજીકથી મોટી સંખ્યામાં એલપીજી ગેસ સિલિન્ડરનો જથ્થો પણ મળી આવ્યો હતો. જો આગ કિચનના નીચેના ભાગ સુધી પ્રસરી હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી, પરંતુ ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં વીજ શોર્ટ સર્કિટના કારણે ચીમનીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt