સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિર્મિત અદ્યતન ઓડિટોરિયમને જનતા માટે ખુલ્લું મૂકવાની તૈયારી
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના નાગરિકો માટે સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક આયોજનો અર્થે હેમુ ગઢવી હોલના વિકલ્પરૂપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રૂપિયા ૧૧.૯૧ કરોડના ખર્ચે નિર્મિત ૯૫૩ બેઠક ક્ષમતા ધરાવતું ભવ્ય ઓડિટોરિયમ ટૂંક સમયમાં જાહેર જન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી


રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના નાગરિકો માટે સાંસ્કૃતિક, સામાજિક અને શૈક્ષણિક આયોજનો અર્થે હેમુ ગઢવી હોલના વિકલ્પરૂપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રૂપિયા ૧૧.૯૧ કરોડના ખર્ચે નિર્મિત ૯૫૩ બેઠક ક્ષમતા ધરાવતું ભવ્ય ઓડિટોરિયમ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ભાડે ઉપલબ્ધ થનાર છે, જેનું લોકાર્પણ ગત ૨ ઓગસ્ટે મુખ્યમંત્રી દ્વારા થયું હતું.

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા હાલ ઓડિટોરિયમની બહાર લેન્ડસ્કેપિંગ, સુશોભીકરણ અને પાર્કિંગની સુવિધાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હોલની મુખ્ય સમસ્યા ગણાતા વાહન પાર્કિંગ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે, જેમાં એકસાથે ૧૫૦થી વધુ કાર અને ૩૦૦ જેટલા ટુ-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકશે. આ અગાઉ અહીં પદવીદાન સમારોહ અને યુવક મહોત્સવ જેવા પ્રતિષ્ઠિત કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂક્યા છે.

આ આધુનિક સભાગૃહ સેન્ટ્રલી એર કન્ડિશન્ડ હોવાની સાથે અત્યાધુનિક ડિજિટલ સિન્થેસાઇઝર સાઉન્ડ સિસ્ટમથી સજ્જ છે, જે નાટક અને સંગીત સંધ્યા જેવા પ્રોગ્રામ્સ માટે ઉત્તમ છે. કલાકારોની સગવડતા માટે અલગ ગ્રીન રૂમ, ચેન્જિંગ રૂમ તથા મુલાકાતીઓ માટે સુવિધાયુક્ત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટી કક્ષાએ મોટા કાર્યક્રમો મર્યાદિત હોવાથી આ કરોડોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિનઉપયોગી ન રહે અને સંસ્થાને આવક પ્રાપ્ત થાય તે હેતુથી આ નીતિગત નિર્ણય લેવાયો છે. લેન્ડસ્કેપિંગ પૂર્ણ થતાં જ સક્ષમ સત્તામંડળની બેઠકમાં ભાડાના દર અને નિયમોને અંતિમ મંજૂરી અપાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande