
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬-૨૭ના વાર્ષિક અંદાજપત્રમાં જમીન અને દુકાનોના વેચાણ દ્વારા રૂ. ૬૧૬ કરોડની માતબર આવક રળવાનો મોટો દાવો કરાયો હતો, પરંતુ પ્રથમ છ મહિનામાં એક પણ રૂપિયો ન આવતા તંત્રની આર્થિક યોજનાઓ નિષ્ફળ સાબિત થઈ છે અને રાજ્ય સરકારની ગ્રાન્ટના સહારે વહીવટી ગાડું ગબડી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વાર્ષિક અંદાજપત્રમાં મિલકત વેરા ઉપરાંત જમીન વેચાણ અને શોપિંગ સેન્ટર તથા ઓફિસોના વેચાણને આવકનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવ્યો હતો. આ હેડ હેઠળ કુલ રૂ. ૬૧૬.૨૭ કરોડ મેળવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. નાણાકીય વર્ષના છ મહિના વીતી ગયા હોવા છતાં મનપાને આ બંને મુખ્ય સ્ત્રોતોમાંથી એક પણ પાઈની આવક પ્રાપ્ત થઈ નથી. રૈયા મેઇન રોડ, અમીન માર્ગ, મવડી, મોરબી રોડ અને રેલનગર સહિતના અસંખ્ય વ્યાપારી પ્લોટો હોવા છતાં આ મિલકતોમાંથી કોઈ વળતર મળ્યું નથી.
અંદાજપત્રમાં કુલ રૂ. ૧૬૫૩.૬૯ કરોડની આવકનો અંદાજ રખાયો હતો, જેની સામે પ્રથમ છ મહિનામાં માત્ર રૂ. ૫૧૮.૨૩ કરોડ જ જમા થયા છે. મિલકત વેરાના રૂ. ૪૩૮ કરોડ સામે રૂ. ૨૪૭ કરોડ, વ્યવસાય વેરાના રૂ. ૪૪ કરોડ સામે રૂ. ૧૮.૫૦ કરોડ અને ટાઉન પ્લાનિંગ વિભાગ અંતર્ગત રૂ. ૪૦૫.૬૦ કરોડ સામે માત્ર રૂ. ૨૧૧.૮૯ કરોડની જ વસુલાત થઈ છે. આ ઉપરાંત ખાલી પ્લોટનો ટેક્સ, હોર્ડિંગ બોર્ડ ભાડું અને આવાસ યોજનાના હપ્તાઓની આવક પણ અપેક્ષા કરતાં ઘણી ઓછી રહી છે.
નાણાકીય સ્થિતિ નબળી હોવાથી મનપા દ્વારા રૂ. ૨૦૦ કરોડની લોન લેવાનું આયોજન કરાયું હતું. જોકે, રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૩૫૦ કરોડની માતબર ગ્રાન્ટ સમયસર મળી જવાથી મનપાને લોન લેવાની ફરજ પડી નથી. આ ગ્રાન્ટના ભોગે જ હાલ મહાપાલિકાનું આર્થિક ગાડું નિયમિતપણે દોડી રહ્યું છે અને વિકાસ કાર્યો અટક્યા નથી.
આગામી છ મહિનામાં જો જમીન અને દુકાનોના વેચાણ દ્વારા આવક ઊભી નહીં થાય, તો મહાનગરપાલિકાએ ફરજિયાતપણે લોન લેવી પડશે તેવી પૂરી શક્યતા છે. તંત્રના કાગળ પરના મોટા લક્ષ્યાંકો વાસ્તવિકતામાં નિષ્ફળ નીવડ્યા છે, ત્યારે મનપાએ પોતાની નાણાકીય નીતિઓ અને વસુલાત પ્રક્રિયામાં તાત્કાલિક સુધારો લાવવો અનિવાર્ય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt