
- ભાડાના દર નક્કી ન થતા તાળાબંધી; મનપાના તમામ કોમ્યુનિટી હોલ હાઉસફુલ થતા સામાન્ય પરિવારોને ખાનગી પાર્ટી પ્લોટના ઊંચા ભાડા ચૂકવવાની ફરજ.
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) :
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 2 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પ્રથમ પાર્ટી પ્લોટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયાને બે મહિના વીત્યા છતાં હજુ સુધી તે શરૂ કરાયો નથી. ભાડાની નીતિ નક્કી ન થતા બુકિંગ અટક્યું છે, જ્યારે મનપાના તમામ કોમ્યુનિટી હોલ અગાઉથી બુક થઈ જતા લગ્નસરાની સિઝનમાં લોકો ખાનગી પ્લોટના ઊંચા ભાડા ચૂકવવા મજબૂર બન્યા છે.
રાજકોટમાં ખાનગી પાર્ટી પ્લોટના ઊંચા ભાડા મધ્યમવર્ગીય પરિવારોને પરવડતા ન હોવાથી, મહાનગરપાલિકા દ્વારા વ્યાજબી દરના પાર્ટી પ્લોટ બનાવવામાં આવે તેવી લાંબા સમયથી રજૂઆતો થઈ રહી હતી. જેને ધ્યાને લઈ મનપાના ગત વર્ષના બજેટમાં શહેરના ત્રણેય ઝોનમાં એક-એક પાર્ટી પ્લોટ નિર્માણ કરવાની જોગવાઈ કરાઈ હતી. આ અંતર્ગત કાલાવડ રોડ પર તાલુકા પોલીસ સ્ટેશન અને રંગોલી પાર્ક સામે અંદાજે રૂ. 2 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાયુક્ત પાર્ટી પ્લોટ તૈયાર કરી, બે મહિના અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ થયાને બે મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ પાર્ટી પ્લોટ પ્રજાના ઉપયોગ માટે ખુલ્લો મુકાયો નથી. પ્રાથમિક તબક્કે આ પ્લોટમાં વીજ જોડાણની કામગીરી બાકી હોવાથી વિલંબ થયો હતો. હવે વીજ કનેક્શન ઉપલબ્ધ થઈ ગયું છે, પરંતુ પાર્ટી પ્લોટનું ભાડું, સુવિધાઓના ચાર્જ, ડિપોઝિટ અને બુકિંગની પ્રક્રિયા અંગેની નીતિ હજુ સુધી નક્કી થઈ નથી. આ અંગેની અંતિમ દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ જ સત્તાવાર બુકિંગ શરૂ કરી શકાશે.
આગામી ડિસેમ્બર મહિનાથી લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે મનપાના તમામ કોમ્યુનિટી હોલ અત્યારથી જ હાઉસફુલ થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં મનપાનો પાર્ટી પ્લોટ કાર્યરત ન થતા સામાન્ય પરિવારોને નાછૂટકે ખાનગી પાર્ટી પ્લોટ અને હોલના મોંઘા ભાડા ચૂકવવાની ફરજ પડી રહી છે. બીજી તરફ, વોર્ડ નંબર 2માં HCG હોસ્પિટલ રોડ પર પણ મનપાના અન્ય એક પાર્ટી પ્લોટનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે, ત્યારે બંને પ્લોટનું સંચાલન વહેલી તકે શરૂ થાય તેવી માંગ ઉઠી છે.
આ મુદ્દે એસ્ટેટ વિભાગના મેનેજર મેહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, રંગોલી પાર્ક નજીકના પાર્ટી પ્લોટના ભાડા અને બુકિંગ અંગેની અંતિમ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. દિવાળી બાદ તુરંત આ પ્રક્રિયા પૂર્ણ કરી બુકિંગ ખુલ્લું મૂકવામાં આવશે, જેથી આગામી લગ્નગાળામાં નાગરિકો તેનો લાભ લઈ શકશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, મનપા પાસે 23 સ્થળોએ કુલ 33 કોમ્યુનિટી હોલ છે, જેનું ભાડું સુવિધા મુજબ રૂ. 2,000 થી રૂ. 35,000 સુધી નિયત છે. 180 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગની સુવિધા હોવાથી પહેલી એપ્રિલ સુધીના 531 બુકિંગ થઈ ચૂક્યા છે; જો કોઈ અરજદાર બુકિંગ રદ કરાવે તો જ તે તારીખ ઓનલાઈન સિસ્ટમમાં અન્ય નાગરિકો માટે ખુલ્લી મુકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt