
- બોલવાના વ્યવહાર બંધ કરતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ લોખંડના પાઈપ અને ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, માલવિયાનગર પોલીસ મથકે ગુનો દાખલ
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં મિત્રની બહેન સાથેના પ્રેમસંબંધનો વિરોધ કરી બોલવાનું બંધ કરનાર રિક્ષાચાલક યુવક પર બે શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવકને ઢીકાપાટુનો માર મારવાની સાથે છોડાવવા વચ્ચે પડેલા તેના પિતરાઈ ભાઈને લોખંડના પાઈપ વડે ઈજા પહોંચાડી હતી. આ મામલે માલવિયાનગર પોલીસે બંને હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, શહેરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સંજય દિનેશભાઈ માત્રાણીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં રાજ ઉર્ફે ઘટલો પંડ્યા અને હાર્દિક ઉર્ફે કાળીયો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી રાજ પંડ્યા ફરિયાદીના મિત્રની બહેન સાથે સંબંધ ધરાવતો હતો, જે બાબત સંજયને પસંદ ન હોવાથી તેણે રાજ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. 11 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે રાત્રે આઠ વાગ્યાના અરસામાં સંજય તેના મામાના ઘરે હાજર હતો, ત્યારે અજાણ્યા નંબર પરથી રાજનો ફોન આવ્યો હતો. ફોન પર રાજે બોલવાના વ્યવહાર બંધ કરવા બાબતે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો, જેથી સંજયે મિત્રની બહેન સાથેના સંબંધનો વિરોધ વ્યક્ત કરતા રાજે ફોન કાપી નાખ્યો હતો.
ફોન પર થયેલી બોલાચાલીનો ખાર રાખી રાત્રે પોણા નવ વાગ્યાના સુમારે રાજ ઉર્ફે ઘટલો અને તેનો સાગરિત હાર્દિક ઉર્ફે કાળીયો ફરિયાદીના મામાના ઘરે ધસી આવ્યા હતા. બંને શખ્સોએ સંજયને ઘરની બહાર બોલાવી અપશબ્દો ભાંડી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દેકારો થતા ઘરમાંથી સંજયના મામાનો દીકરો હિરેન અને ભાભી બહાર દોડી આવ્યા હતા અને સંજયને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા રાજે પોતાની પાસે રહેલા લોખંડના પાઈપ વડે હિરેનના જમણા પગના સાથળના ભાગે ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી તેમજ ફરિયાદીના ભાભીને પણ અપશબ્દો કહ્યા હતા.
હુમલાના પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ જતા બંને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકો પરિવાર સાથે માલવિયાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી રાજ પંડ્યા અને હાર્દિક વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને શખ્સોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt