ગોંડલના ત્રાકુડા ગામે વાડીમાં કામ કરતા શ્રમિકો સાથેની તકરાર બાદ મહિલાનું મોત નીપજ્યું
છ કલાકની શોધખોળ બાદ મરચી અને રીંગણના પાક વચ્ચેથી મૃતદેહ મળ્યો; પોલીસે ફરાર શ્રમિકોને ઝડપી પાડવા તપાસ તેજ કરી રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં આવેલી વાડીમાં કામ કરતા શ્રમિકો સાથે થયેલી બોલાચાલી બ
હત્યા ફાઈલ ફોટો


- છ કલાકની શોધખોળ બાદ મરચી અને રીંગણના પાક વચ્ચેથી મૃતદેહ મળ્યો; પોલીસે ફરાર શ્રમિકોને ઝડપી પાડવા તપાસ તેજ કરી

રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) :

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામની સીમમાં આવેલી વાડીમાં કામ કરતા શ્રમિકો સાથે થયેલી બોલાચાલી બાદ 58 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. પતિ વાડીમાંથી થોડે દૂર ગયા તે દરમિયાન શ્રમિકોએ મહિલા પર હુમલો કરીને મૃતદેહ ખેતરમાં છુપાવી દીધો હતો. ઘટના બાદ ફરાર થઈ ગયેલા શ્રમિકોને પકડી પાડવા ગોંડલ તાલુકા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા ત્રાકુડા ગામે ખેતીની વાડીમાં કામ કરતા શ્રમિકો સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ 58 વર્ષીય જ્યોત્સનાબેન અમૃતિયા પર હુમલો કરીને તેમનું મોત નીપજાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યોત્સનાબેન પોતાના પતિ જીતેન્દ્રભાઈ સાથે વાડીએ ગયા હતા, જ્યાં વાડીમાં કામ કરતા શ્રમિકો સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. આ તકરાર બાદ પતિ જીતેન્દ્રભાઈ થોડે દૂર કપડાં લેવા માટે ગયા હતા, તે સમયગાળા દરમિયાન શ્રમિકોએ એકલા રહેલા જ્યોત્સનાબેનના માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી શ્રમિકોએ મહિલાના મૃતદેહને વાડીના ખેતરમાં જ છુપાવી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

થોડા સમય બાદ જ્યારે પતિ જીતેન્દ્રભાઈ પરત વાડીએ ફર્યા ત્યારે તેમને પત્ની જ્યોત્સનાબેન અને કામ કરતા શ્રમિકો બંને ગાયબ જણાયા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં જીતેન્દ્રભાઈએ તાત્કાલિક તેમના પુત્ર ભાર્ગવભાઈ અને સ્થાનિક ગ્રામજનોને આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને પારખીને પરિવારજનો તેમજ ગામના આગેવાનો વાડીએ એકઠા થયા હતા અને સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. સતત છ કલાકની શોધખોળ બાદ વાડીમાં ઉગાડવામાં આવેલા મરચી અને રીંગણના પાક વચ્ચેથી જ્યોત્સનાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

મહિલાનો મૃતદેહ મળી આવતા પરિવારજનો અને ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ડીવાયએસપી કે.જી. ઝાલા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી પ્રાથમિક વિગતો એકત્ર કરી હતી. ત્યારબાદ મૃતક જ્યોત્સનાબેનના મૃતદેહને પ્રાથમિક કાર્યવાહી માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે ફરાર થઈ ગયેલા શ્રમિકો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ઘટના બાદ નાસી છૂટ્યા હોવાથી તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ વેગવંતી બનાવાઈ છે. આ અંગે ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, પોલીસની વિવિધ ટીમો આરોપીઓના સગડ મેળવવા કાર્યરત છે અને ફરાર શ્રમિકો ટૂંક સમયમાં જ પોલીસની પકડમાં આવી જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande