
- આજીડેમથી પરાપીપળીયા જતી બસ સાથે અકસ્માતની ઘટના CCTVમાં કેદ; બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો, પોલીસ ફરિયાદ નહીં
રાજકોટ, 12 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં સિટી બસ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ચુનારાવાડ ચોક નજીક ટુ-વ્હીલર પર રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાથી સમયસર બ્રેક ન લાગતા તે સિટી બસની અડફેટે આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં મહિલાને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
બનાવની વિગત મુજબ, 10 નવેમ્બરના બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં ડ્રાઈવર રમેશ સોલંકી આજીડેમથી સિટી બસ લઈને પરાપીપળીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ ચુનારાવાડ ચોક પાસે પહોંચતા સામેની દિશામાંથી એક મહિલા ટુ-વ્હીલર લઈને રસ્તો ક્રોસ કરી રહી હતી. અચાનક સામે બસ આવી જતા મહિલા વાહન પરથી કાબૂ ગુમાવી બેઠી હતી અને બ્રેક ન લાગવાને કારણે સીધી સિટી બસ સાથે અથડાઈ હતી. અકસ્માત થતા જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકોનું ટોળું ઘટનાસ્થળે એકત્ર થઈ ગયું હતું.
સિટી બસની ટક્કર વાગવાથી ટુ-વ્હીલર ચાલક મહિલા રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક મહિલાની મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા થઈ ન હોવાથી થોડી જ વારમાં લોકોનું ટોળું વિખેરાઈ ગયું હતું અને વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
આ ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર પરેશ અઢીયાએ સત્તાવાર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 10 નવેમ્બરના બપોરે 3 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ અકસ્માતમાં સિટી બસના ચાલકની કોઈ બેદરકારી કે વાંક ન હતો. વધુમાં, અકસ્માતનો ભોગ બનનાર ટુ-વ્હીલર ચાલક મહિલા દ્વારા પણ આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt