એઈમ્સ દિલ્હીએ ગર્ભમાં જ કરોડરજ્જુની પહેલી સર્જરી કરી, 25 અઠવાડિયાના ભ્રૂણનું કર્યું સફળ ઓપરેશન
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.). અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ), નવી દિલ્હીએ દેશમાં પ્રથમ વખત ગર્ભસ્થ શિશુની કરોડરજ્જુમાં ગંભીર જન્મજાત વિકૃતિ માયેલોમેનિંગોસીલની ઓપન ફેટલ સર્જરી કરી છે. 25 અઠવાડિયાના ગર્ભસ્થ શિશુ પર કરવામાં આવેલી છ કલાકની
એઈમ્સ દિલ્હી દ્વારા ગર્ભમાં જ કરોડરજ્જુની પહેલી સર્જરી


નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.). અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઈમ્સ), નવી દિલ્હીએ દેશમાં પ્રથમ વખત ગર્ભસ્થ શિશુની કરોડરજ્જુમાં ગંભીર જન્મજાત વિકૃતિ માયેલોમેનિંગોસીલની ઓપન ફેટલ સર્જરી કરી છે. 25 અઠવાડિયાના ગર્ભસ્થ શિશુ પર કરવામાં આવેલી છ કલાકની આ સર્જરીમાં કરોડરજ્જુના નીચેના ભાગમાં રહેલી તે ખામીનું સમારકામ કરવામાં આવ્યું, જેનાથી મગજ અને કરોડરજ્જુના પ્રવાહીનું ગળતર થઈ રહ્યું હતું.

એઈમ્સ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ પ્રક્રિયા એઈમ્સના ન્યુરોસાયન્સ સેન્ટરમાં ગુરુવારે કરવામાં આવી હતી. આ સર્જરીની તૈયારીમાં પાંચ અઠવાડિયાથી વધુ સમય લાગ્યો હતો. આ દરમિયાન ભ્રૂણનું વિગતવાર ઇમેજિંગ, વિવિધ નિષ્ણાતોની સલાહ, માતા-પિતાનું પરામર્શ, એનેસ્થેસિયાની તૈયારી અને ઓપરેશનનો પૂર્વાભ્યાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયામાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ, માતૃ-ભ્રૂણ ચિકિત્સા, ન્યુરોસર્જરી, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જરી, રેડિયોલોજી અને નવજાત શિશુ ચિકિત્સા વિભાગોના 30 થી વધુ ડોક્ટરો અને નર્સોએ ભાગ લીધો હતો.

એઈમ્સના પ્રોફેસર દીપક ગુપ્તાએ ન્યુરો સર્જરી ટીમનું નેતૃત્વ કર્યું હતું. માતૃ-ભ્રૂણ ચિકિત્સા અને પ્રસૂતિ સંબંધી જવાબદારી પ્રોફેસર નીના મલ્હોત્રા અને પ્રોફેસર કે. અપર્ણા શર્માએ સંભાળી હતી. સર્જરી ઉચ્ચ ક્ષમતા ધરાવતી માઇક્રોસ્કોપી અને સતત અલ્ટ્રાસાઉન્ડની સહાયથી કરવામાં આવી હતી.

માયેલોમેનિંગોસીલ સ્પાઈના બિફિડાનું સૌથી ગંભીર સ્વરૂપ છે. આમાં કરોડરજ્જુ અને તેને ઢાંકતા પટલો કરોડરજ્જુમાં રહેલા ખુલ્લા ભાગમાંથી બહાર નીકળી આવે છે. આનાથી બાળકને લકવો, મગજમાં પાણી ભરાવું (હાઈડ્રોસેફાલસ) અને જીવનભર ન્યુરોલોજીકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટનો બોજ પણ નોંધપાત્ર છે. વર્ષ 2024 માં પ્રકાશિત 27 ભારતીય અભ્યાસોની એક સમીક્ષામાં દર 1,000 જન્મ પર તેની સરેરાશ વ્યાપકતા 9.46 આંકવામાં આવી હતી. સમીક્ષામાં રાષ્ટ્રીય સ્તરે દેખરેખ વ્યવસ્થા મજબૂત કરવાની જરૂરિયાત પણ જણાવવામાં આવી હતી.

ઇન્ડિયન સોસાયટી ફોર પીડિયાટ્રિક ન્યુરો સર્જરીના અધ્યક્ષ પ્રોફેસર દીપક ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ભારતમાં ભ્રૂણ ચિકિત્સા અને બાળ ન્યુરો સર્જરીના ક્ષેત્રમાં એક નવી ક્ષમતા સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. તેમણે જણાવ્યું કે યોગ્ય રીતે પસંદ કરાયેલા કિસ્સાઓમાં જન્મ પહેલાં સર્જરી કરવાનો ઉદ્દેશ્ય ખુલ્લી ચેતા પેશીને આગળ થતા નુકસાનથી બચાવવાનો, હાઈડ્રોસેફાલસની સારવાર માટે પાછળથી શંટ મૂકવાની જરૂરિયાત ઘટાડવાનો અને કેટલાક ન્યુરોલોજીકલ પરિણામોમાં સુધારો કરવાનો છે. જોકે, આ સંપૂર્ણ ઈલાજ નથી અને બાળકને લાંબા સમય સુધી વિવિધ નિષ્ણાતોની દેખરેખની જરૂર રહેશે.

પ્રોફેસર નીના મલ્હોત્રાએ, આ સિદ્ધિને વિવિધ વિશેષતાઓની ટીમની સામૂહિક પ્રતિબદ્ધતાનું પરિણામ ગણાવ્યું હતું. બીજી તરફ, પ્રોફેસર અપર્ણા શર્માએ જણાવ્યું હતું કે ભ્રૂણ પર આ પ્રકારની સર્જરીનો નિર્ણય માતા અને બાળક, બંનેના વધુ સારા સ્વાસ્થ્ય પરિણામોને ધ્યાનમાં રાખીને વિગતવાર યોજના પછી લેવામાં આવે છે. તેમણે કહ્યું કે માતા અને ભ્રૂણની સુરક્ષા માટે સર્જરી પહેલાં યોગ્ય પરામર્શ, શ્રેષ્ઠ એનેસ્થેસિયા અને ઓપરેશન પહેલાં તથા પછી સંકલિત દેખરેખ જરૂરી છે.

ભ્રૂણમાં માયેલોમેનિંગોસીલની સર્જરી અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અભ્યાસ થયા છે. મેનેજમેન્ટ ઓફ માયેલોમેનિંગોસીલ (એમઓએમએસ) અભ્યાસ મુજબ, જન્મ પહેલાં સર્જરી કરાવનારા બાળકોમાં 12 મહિનાની ઉંમર સુધી મગજ અને કરોડરજ્જુના પ્રવાહીના નિકાલ માટે શંટ મૂકવાની જરૂરિયાત 40 ટકા રહી હતી, જ્યારે જન્મ પછી સર્જરી કરાવનારા બાળકોમાં આ આંકડો 82 ટકા હતો. અભ્યાસમાં મોટર ક્ષમતા સાથે જોડાયેલા પરિણામોમાં સુધારો અને ચીઆરી-2 થી સંબંધિત મગજના પાછળના ભાગના નીચે ખસવાની સમસ્યામાં ઘટાડો પણ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ પ્રક્રિયામાં સમય પહેલાં પ્રસૂતિ અને ગર્ભાશય પર બનેલા નિશાન સાથે જોડાયેલી જટિલતાઓ સહિત માતા અને ભ્રૂણ માટે જોખમો પણ હોય છે. તેથી તેને માત્ર વિશેષ કેન્દ્રોમાં યોગ્ય કિસ્સાઓમાં જ કરવામાં આવે છે.

એઈમ્સ દ્વારા આ સર્જરી કેન્દ્ર સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ (જેએસએસકે) હેઠળ પરિવારને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર, અમેરિકામાં ભ્રૂણની સર્જરી, ઉચ્ચ જોખમ ધરાવતી પ્રસૂતિ સંભાળ, પ્રસૂતિ અને નવજાત સારવાર સહિતની આવી સંયુક્ત તબીબી સેવાનો ખર્ચ સંસ્થા અને દર્દીની સ્થિતિના આધારે એક કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે.

એઈમ્સની ટીમે સ્પષ્ટ કર્યું કે, ભ્રૂણની સર્જરી પસંદગીની ગર્ભાવસ્થાઓની સારવારનો વિકલ્પ છે, નહીં કે બીમારીના નિવારણનો વિકલ્પ. ગર્ભધારણના લગભગ 28 દિવસ પછી સુધીમાં ન્યુરલ ટ્યુબનું બંધ થવું પૂર્ણ થઈ જાય છે, જ્યારે આ સમય સુધી ઘણીવાર મહિલાને ગર્ભાવસ્થાની જાણ પણ હોતી નથી. એવામાં ગર્ભધારણ પહેલાં ફોલિક એસિડના સેવનની સલાહ, ખાદ્ય પદાર્થોમાં ફોલેટનું વૈજ્ઞાનિક રીતે મિશ્રણ અને રાષ્ટ્રીય સ્તરે દેખરેખ વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે.

સર્જરી પછી માતા અને ભ્રૂણની ગર્ભાવસ્થાના બાકીના સમય, પ્રસૂતિ અને નવજાત અવસ્થા સુધી વિવિધ નિષ્ણાતોની ટીમ દેખરેખ રાખશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande