અસમઃ કાઝીરંગા માર્ગ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 26 થઈ, 23ની ઓળખ થઈ, મુખ્યમંત્રી ઘટનાસ્થળની મુલાકાત લેશે
કાઝીરંગા (અસમ), નવી દિલ્હી, 14 નવેમ્બર. કાઝીરંગા માર્ગ અકસ્માતના મૃતકોની સંખ્યા 26 થઈ ગઈ છે. શનિવારે સવારે સારવાર દરમિયાન એક યુવતીનું જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જેએમસીએચ) માં મૃત્યુ થયું હતું. જેની ઓળખ લક્ષ્મી માઝી તરીકે કરવામાં આવી છે. અક
મિની બસ અને કન્ટેનર ટ્રકની સામસામે ટક્કર


કાઝીરંગા (અસમ), નવી દિલ્હી, 14 નવેમ્બર. કાઝીરંગા માર્ગ અકસ્માતના મૃતકોની સંખ્યા 26 થઈ ગઈ છે. શનિવારે સવારે સારવાર દરમિયાન એક યુવતીનું જોરહાટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જેએમસીએચ) માં મૃત્યુ થયું હતું. જેની ઓળખ લક્ષ્મી માઝી તરીકે કરવામાં આવી છે.

અકસ્માતમાં જીવ ગુમાવનારા 26 લોકોમાંથી 23 લોકોની ઓળખ થઈ હોવાની માહિતી સામે આવી છે. મૃતકોની ઓળખ દીપાંજલિ રંગફારપિ, જ્યોતિ માઝી, અનુરાગ ગોવાલા, દામિની ઘટોવાલ, બેબી કર્મકાર, દર્પના માઝી, સુભાષ દાસ, ચાલક અબ્દુલ મજિદ, પૂર્ણિમા ગોવાલા, અબ્દુલ રસીદ અલી, ફાઈઝુલ ઈસ્લામ, ફરહાના યાસ્મિન, સુનિલ ભૂમિજ, હાઈઝુલ ઈસ્લામ, રંજિતા ઘટોવાલ, મુહમ્મદ રફિક, ગંગા ગોવાલા, મુહમ્મદ અલી, ફારૂક અહમદ, ગોલાપી બેગમ, મીના મિરાજ, દીપક ગુરુંગ ઉપરાંત જેએમસીએચમાં આજે સવારે લક્ષ્મી માઝી તરીકે થઈ છે.

અસમના કાઝીરંગા નેશનલ પાર્ક પાસે શુક્રવારે મોટો માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક મિની બસ અને કન્ટેનર ટ્રકની સામસામે ટક્કરમાં 26 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 23 લોકોના મોત ઘટનાસ્થળે તેમજ ગોલાઘાટ જિલ્લાની કહરા હોસ્પિટલમાં શુક્રવારે થયા હતા. જ્યારે, જેએમસીએચમાં ગઈ રાત સુધી બે અને આજે સવારે એક યુવતીનું મોત થયું હતું.

જણાવવામાં આવ્યું છે કે જેએમસીએચમાં સાત ગંભીર રીતે ઘાયલોની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. જેએમસીએચમાં કુલ કેટલા ઘાયલોની સારવાર ચાલી રહી છે, તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ 20 ઘાયલોને જેએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આજે સવારે મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા, ગોલાઘાટના રંગાજાન સ્થિત ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે પહોંચવાના છે. મુખ્યમંત્રીએ તમામ ઘાયલોની અદ્યતન સારવાર માટે તમામ જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

લગભગ 23 મૃતકોના શબ ગોલાઘાટ જિલ્લા ચિકિત્સાલયમાં રાખવામાં આવ્યા છે. જેનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જણાવવામાં આવ્યું છે કે પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટીથી પણ ડોક્ટરોની ટીમ ગોલાઘાટ પહોંચી છે. આ ભયાનક ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે શોક વ્યાપેલો છે.

વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનોએ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રશાસન પર રસ્તાના સમારકામ પર ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો છે. લોકોનું કહેવું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ઠેર-ઠેર ટોલની વસૂલાત કરી રહ્યો છે પરંતુ રસ્તાના સમારકામને લઈને કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / શ્રીપ્રકાશ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande