મહાદેવ એપ કેસમાં, 6 રાજ્યોના 33 સ્થળો પર સીબીઆઈના દરોડા, સટ્ટાબાજીના પેનલ કરાવ્યા બંધ
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) મહાદેવ ઓનલાઇન બુક એપના ગેરકાયદે સટ્ટાબાજી નેટવર્ક વિરુદ્ધ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ) એ, છ રાજ્યોમાં 33 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સટ્ટાબાજી અન
સીબીઆઈ


નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) મહાદેવ ઓનલાઇન બુક એપના ગેરકાયદે સટ્ટાબાજી નેટવર્ક વિરુદ્ધ કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સીબીઆઈ) એ, છ રાજ્યોમાં 33 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સટ્ટાબાજી અને જુગાર રમવાના સક્રિય પેનલ કાર્યરત જોવા મળ્યા હતા, જેને બંધ કરાવી દેવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન મ્યુલ બેંક ખાતાઓ અને હવાલા નેટવર્કના ઉપયોગ સાથે જોડાયેલા ડિજિટલ ઉપકરણો, મોબાઈલ ફોન અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી મહાદેવ એપના મુખ્ય પ્રવર્તકોમાંના એક અને મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકરની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. ચંદ્રાકરને ઓમાનથી પ્રત્યાર્પણ કર્યા બાદ 01 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. રાયપુરની વિશેષ સીબીઆઈ અદાલતે તેને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં સોંપ્યો હતો. પૂછપરછમાં પ્લેટફોર્મના સંચાલન અને ભારતમાં તેના પેનલ સંચાલકોના નેટવર્ક વિશે મહત્વપૂર્ણ માહિતી મળી હતી.

સીબીઆઈએ અમૃતસર, દિલ્હી, નાગૌર, ધોલપુર, ભોપાલ, રાયપુર, દુર્ગ, ઈન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને નાગપુરમાં સર્ચ હાથ ધર્યું હતું. તપાસ એજન્સીએ જણાવ્યું કે સર્ચમાં મળેલા ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાઓના સંબંધમાં પણ ચંદ્રાકરની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસ કસ્ટડીની મુદત પૂરી થયા બાદ ચંદ્રાકરને 12 નવેમ્બરે રાયપુરની વિશેષ સીબીઆઈ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. અદાલતે તેને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

સીબીઆઈએ જણાવ્યું કે, છત્તીસગઢ સરકાર પાસેથી કેસ સ્થાનાંતરિત થયા બાદ મહાદેવ ઓનલાઇન બુકના સંબંધમાં બે પ્રથમ માહિતી અહેવાલ નોંધવામાં આવ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્લેટફોર્મ વિદેશ સ્થિત મુખ્ય કાર્યાલયથી સંચાલિત થાય છે અને ભારતમાં પેનલ સંચાલકોના મોટા નેટવર્ક દ્વારા કામ કરે છે. આ સંચાલકો ગ્રાહકોની આઈડી સંભાળે છે અને સટ્ટાબાજીની રકમ એવા બેંક ખાતાઓમાં જમા કરાવે છે, જે અન્ય વ્યક્તિઓના નામે ખાસ કરીને ખોલવામાં આવ્યા હોય અથવા ભાડે લેવામાં આવ્યા હોય. ત્યારબાદ હવાલા દ્વારા નફાની રકમ વિદેશ મોકલવામાં આવે છે.

તપાસ એજન્સી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ અન્ય આરોપીઓ, વિદેશમાં રહેલા આરોપીઓ, નેટવર્કના સંચાલનમાં મદદ કરનાર વ્યક્તિઓ અને સંબંધિત જાહેર સેવકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. ફરાર આરોપીઓના પ્રત્યાર્પણ માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સીબીઆઈએ સામાન્ય લોકોને ચેતવણી આપી છે કે, ઓનલાઇન સટ્ટાબાજી અને જુગાર રમવો ગેરકાયદે છે. આવી પ્રવૃત્તિઓ માટે પોતાનું બેંક ખાતું, સિમ કાર્ડ અથવા ઓળખ સંબંધિત દસ્તાવેજો અન્ય કોઈ વ્યક્તિને આપવા અથવા ભાડે ઉપલબ્ધ કરાવવા એ પણ ગુનાહિત કૃત્ય છે. આવું કરવા બદલ ખાતાધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande