
ગાંધીનગર, 14 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરની રાત્રે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠક રાત્રે 11:10 વાગ્યે પૂર્ણ થઈ હતી. બેઠક બાદ વડાપ્રધાને તમામ મંત્રીઓ સાથે ભોજન પણ લીધું હતું. આ દરમિયાન લોકભવન તરફના માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને વાહનવ્યવહાર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, રાત્રે 10 વાગ્યે રેન્જ રોવર કાર સાથે એક ઇનોવા લોકભવનમાં પ્રવેશી હતી. ત્યારબાદ રાત્રે 10:50 વાગ્યે બ્લેક કલરની ડિફેન્ડર કાર આવી હતી. સુરક્ષાકર્મીઓની પૂછપરછ બાદ તેને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાનની મુલાકાતને પગલે લોકભવન પરિસરમાં વીવીઆઈપી મુવમેન્ટ જોવા મળી હતી.
વડાપ્રધાન મોદીએ લોકભવનમાં જ સંસ્કારધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં સંસ્કારધામ દ્વારા હાથ ધરાનારા વિવિધ આયોજનો અને શિક્ષણ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં સંસ્કારધામની શરૂઆત કરી હતી. સંસ્કારધામ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે.
આ અગાઉ વડાપ્રધાન મોદી 13 નવેમ્બરની રાત્રે 8:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમણે ભાજપના પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ ધારાસભ્યો પ્રદીપ પરમાર, ગીતાબેન, ભરત બારોટ અને અરવિંદ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને જૂના નેતાઓ સાથે વાતચીત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
બીજી તરફ, બેઠક પૂર્ણ થયા બાદ રાત્રે 11:30 વાગ્યે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા લોકભવનની બહાર નીકળતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન મોદી 14 નવેમ્બરે બપોરે 12:25 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે. દિલ્હી જતાં પહેલાં તેઓ એરપોર્ટ પર ભાજપના જૂના નેતાઓ સાથે ટૂંકી મુલાકાત કરશે. આ મુલાકાતમાં પ્રદેશ ભાજપના પૂર્વ સહકોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, પૂર્વ કિરીટ સોલંકી, પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા, પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ, નરેશ વ્યાસ, ભૂષણ ભટ્ટ, જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય બલરામ થવાણી, પૂર્વ ધારાસભ્ય નિર્મલા વાઘવાણી, અમદાવાદના પૂર્વ મેયર હિતેશ બારોટ, પૂર્વ મંત્રી કૌશિક પટેલ અને ગોરધન ઝડફિયા સહિતના નેતાઓ વડાપ્રધાનને મળવાના છે. ત્યારબાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે