
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ, 14 નવેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશના નામસાઈ સ્થિત ગોલ્ડન પેગોડા પહોંચ્યા. રાજ્યમાં તેમના પ્રદર્શનનો આ ત્રીજો અને અંતિમ તબક્કો છે. રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાઈક (નિવૃત્ત) એ નામસાઈમાં અસ્થિઓનું સ્વાગત કર્યું. શ્રદ્ધાળુઓ 20 નવેમ્બર સુધી ગોલ્ડન પેગોડામાં તેમના દર્શન કરી શકશે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પવિત્ર અસ્થિઓને નાલુંગ હેલીપેડ પર ઔપચારિક રીતે પ્રાપ્ત કર્યા પછી ગોલ્ડન પેગોડા (કોંગમુ ખામ) માં સ્થાપિત કરવામાં આવ્યા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી ચૌના મીન, રાજ્યના મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને બૌદ્ધ ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું.
રાજ્યપાલે કહ્યું કે, પવિત્ર અસ્થિઓ ભગવાન બુદ્ધના જીવન, જ્ઞાન પ્રાપ્તિ અને તેમના શાશ્વત ઉપદેશોનું પ્રતીક છે. તેમણે કહ્યું કે સંઘર્ષ, અસહિષ્ણુતા અને હિંસાના સમયમાં શાંતિ, કરુણા, જ્ઞાન અને અહિંસાનો બુદ્ધ સંદેશ વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે લોકોને આ મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવવા અને સદ્ભાવના તથા પરસ્પર સન્માન પર આધારિત સમાજ બનાવવાનું આહ્વાન કર્યું.
આ પ્રસંગે ગોલ્ડન પેગોડાના ધ્યાન કેન્દ્રમાં બે વિશેષ પ્રદર્શનોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ દ્વારા આયોજિત ‘અનઅર્થિંગ ધ સેક્રેડ પિપરહવા : ધ સ્ટોરી ઓફ ધ હોલી બુદ્ધા રેલિક્સ એન્ડ ધેર ડિસ્કવરી’ પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશના પિપરહવામાં થયેલી પુરાતત્વીય શોધો અને બુદ્ધના પવિત્ર અસ્થિઓના ઐતિહાસિક તેમજ આધ્યાત્મિક મહત્વને દર્શાવવામાં આવ્યું છે. તેમાં પિપરહવા રત્ન સંગ્રહની યાત્રા અને એક સદીથી વધુ સમય પછી 2025 માં તેની ભારત વાપસીને પણ સામેલ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવેલા બીજા પ્રદર્શન ‘ક્રોસરોડ્સ ઓફ ધમ્મા : ક્લાસિકલ લેગસીઝ, લિવિંગ આર્ટ એન્ડ એન્થ્રોપોલોજિકલ પર્સ્પેક્ટિવ્સ’ માં બૌદ્ધ ધર્મની કળા, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
આ પહેલા પશ્ચિમ કામેંગ જિલ્લાના બોમડિલા સ્થિત થુબચોગ ગત્સેલ લિંગ મઠમાં 8 થી 13 નવેમ્બર સુધી છ દિવસીય પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 35 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અસ્થિઓના દર્શન કર્યા. આ પહેલા 31 ઓક્ટોબર થી 7 નવેમ્બર સુધી તવાંગ મઠમાં આયોજિત પ્રદર્શનમાં 31 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ રીતે તવાંગ અને બોમડિલામાં કુલ 66 હજારથી વધુ લોકોએ દર્શન કર્યા.
અરુણાચલ પ્રદેશમાં પવિત્ર અસ્થિઓનું પ્રદર્શન 13 વર્ષના અંતરાલ પછી આયોજિત કરવામાં આવી રહ્યું છે. નામસાઈમાં 14 થી 20 નવેમ્બર સુધી દર્શન પછી પવિત્ર અસ્થિઓને 21 નવેમ્બરના રોજ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંગ્રહાલય પાછા લઈ જવાનો કાર્યક્રમ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ