
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ભારત-ઇજિપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને દ્વિપક્ષીય વેપાર તેમજ રોકાણ સંબંધોને વિસ્તારવા માટે 14 નવેમ્બરના રોજ કાહિરા પહોંચ્યા. તેમની સાથે 130 થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ અને સ્ટાર્ટઅપનું પ્રતિનિધિમંડળ પણ ઇજિપ્ત ગયું છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રવાસ દરમિયાન ગોયલે કાહિરા સ્થિત હેલિયોપોલિસ યુદ્ધ કબ્રસ્તાનમાં ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવેલા અથવા સ્મરણ કરવામાં આવેલા 4,000 સૈનિકોમાંથી 3,727 ભારતીય હતા. આમાં લગભગ 2,000 સૈનિકોએ પ્રથમ વિશ્વ યુદ્ધ અને લગભગ 1,700 સૈનિકોએ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા.
ગોયલે ઇજિપ્તમાં ભારતીય સમુદાય સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો અને ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે, ભારત અને ઇજિપ્ત વચ્ચે લગભગ 6.5 અબજ અમેરિકી ડોલરનો દ્વિપક્ષીય વેપાર બંને પ્રાચીન સભ્યતાઓ વચ્ચે ભાગીદારીની માત્ર શરૂઆત છે.
તેમણે જણાવ્યું કે, ઇજિપ્તમાં લગભગ 70 ભારતીય કંપનીઓ કામ કરી રહી છે. આ કંપનીઓનું રોકાણ 5 અબજ અમેરિકી ડોલરથી વધુ છે અને તેના દ્વારા ઇજિપ્તના લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી મળી રહી છે. તેમણે ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચેના જીવંત સેતુ તરીકે ઓળખાવ્યા.
પ્રવાસ દરમિયાન ભારત-ઇજિપ્ત સંયુક્ત વેપાર સમિતિના સાતમા સત્ર, સંયુક્ત વેપાર પરિષદની બેઠક અને ભારત-ઇજિપ્ત બિઝનેસ ફોરમનું આયોજન થશે. સંયુક્ત વેપાર સમિતિની બેઠક 15 નવેમ્બરે કાહિરામાં યોજાશે. તેની સહ-અધ્યક્ષતા પીયૂષ ગોયલ અને ઇજિપ્તના રોકાણ તેમજ વિદેશ વેપાર મંત્રી ડૉ. મોહમ્મદ ફરીદ સાલેહ કરશે.
કાર્યક્રમ હેઠળ ઇજિપ્તના વરિષ્ઠ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો, અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે વાતચીત અને આફ્રિકન નિકાસ-આયાત બેંક (અફ્રેક્સિમબેંક), ઇજિપ્ત જુનિયર બિઝનેસમેન એસોસિએશન તથા ઇજિપ્ત-ભારત સ્ટાર્ટઅપ ફોરમ સાથે બેઠકો પણ યોજાશે. આ બેઠકોમાં વેપાર અને રોકાણ સાથે જોડાયેલા મુદ્દાઓની સમીક્ષા તેમજ વ્યાપારી ભાગીદારીની નવી તકો શોધવામાં આવશે.
ભારત અને ઇજિપ્તના સંબંધો ઐતિહાસિક, સભ્યતાગત અને જન-સંપર્કના આધારે વિકસ્યા છે. બંને દેશોએ પોતાની ભાગીદારીને વ્યૂહાત્મક સ્તર સુધી પહોંચાડી છે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય વેપાર, રોકાણ અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રોમાં સહયોગને વધુ વિસ્તાર આપવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ