
-નવેમ્બર 2026 થી ઓક્ટોબર 2027 સુધી ચાલશે શ્રેણી, 17 નવેમ્બરે ભારત મંડપમમાં પ્રથમ કાર્યશાળા
નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન પ્રમુખ તરીકે 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે નીતિ આયોગ પાંચ રાષ્ટ્રીય કાર્યશાળાઓની શ્રેણી આયોજિત કરશે. નવેમ્બર 2026 થી સપ્ટેમ્બર 2027 સુધી ચાલનારી આ શ્રેણીમાં નેતૃત્વ, સુશાસન, સર્વસમાવેશક વિકાસ, સભ્યતાની ઓળખ અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા સાથે જોડાયેલા અનુભવો અને સિદ્ધિઓ પર ચર્ચા થશે. પ્રથમ કાર્યશાળા 17 નવેમ્બરે નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં આયોજિત કરવામાં આવશે.
નીતિ આયોગ તરફથી આયોજિત આ શ્રેણીનો ઉદ્દેશ્ય ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો અને તેના પરિણામોનો અભ્યાસ કરવાનો છે. તેમાં આ યાત્રા સાથે જોડાયેલા અધિકારીઓ, સંસ્થાઓ અને નાગરિકોના પ્રત્યક્ષ અનુભવોને નોંધવામાં આવશે. આ અનુભવોને અભ્યાસ સામગ્રી, સંશોધન પત્રો અને કેસ સ્ટડી તરીકે વિકસાવવામાં આવશે, જેથી સિવિલ સેવકો, તાલીમ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓને તેમાંથી શીખવાની તક મળી શકે.
કાર્યશાળાઓમાં પાંચ મુખ્ય વિષયો પર ચર્ચા થશે. પ્રથમ કાર્યશાળા નવેમ્બર 2026માં 'મિશન તરીકે નેતૃત્વ' વિષય પર આયોજિત થશે. ત્યારબાદ જાન્યુઆરી 2027માં 'પરિણામ આપતું સુશાસન', એપ્રિલ 2027માં 'સર્વસમાવેશક વિકાસ', જુલાઈ 2027માં 'સભ્યતાની ઓળખ' અને સપ્ટેમ્બર 2027માં 'વૈશ્વિક શક્તિ તરીકે ભારત' વિષય પર કાર્યશાળાઓ યોજાશે.
પ્રથમ કાર્યશાળામાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અનુરાગ જૈન સહભાગીઓનું સ્વાગત કરશે. આયોગના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિરી પ્રારંભિક સંબોધન આપશે. વડાપ્રધાનના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રા ઉદ્ઘાટન પ્રવચન આપશે, જ્યારે કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટક મુખ્ય વક્તવ્ય આપશે. નીતિ આયોગના સભ્ય ડૉ. આર. બાલસુબ્રમણ્યમ કાર્યશાળાની રૂપરેખા પ્રસ્તુત કરશે.
કાર્યશાળામાં ચાર મહત્વપૂર્ણ અનુભવો પર વિશેષ સત્ર આયોજિત થશે. ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો વર્ષ 2001ના ભૂકંપ પછી કચ્છના પુનઃનિર્માણ સાથે જોડાયેલા અનુભવો સહિયારા કરશે. પૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ અને સંઘ લોક સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ પ્રીતિ સૂદન કોવિડ-19 મહામારી દરમિયાન કરવામાં આવેલી કામગીરી પર વિચારો રજૂ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના પૂર્વ સચિવ શૈલેષ કુમાર સિંહ 'લખપતિ દીદી' યોજના અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ના પૂર્વ અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી ભાગીદારી માટે ખોલવા સાથે જોડાયેલા અનુભવો સહિયારા કરશે.
'વિકસિત ભારત માટે નેતૃત્વ' વિષય પર એક પરિસંવાદ પણ આયોજિત થશે. નીતિ આયોગના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર. સુબ્રહ્મણ્યમ તેનું સંચાલન કરશે. તેમાં ઉત્તર પ્રદેશના નગર વિકાસ અને ઊર્જા મંત્રી અરવિંદ કુમાર શર્મા, ભારતીય સંચાલન સંસ્થા અમદાવાદના પ્રો. વિશાલ ગુપ્તા, નીતિ આયોગના વિશિષ્ટ ફેલો દેબજાની ઘોષ અને હરદોઈના સંયુક્ત મેજિસ્ટ્રેટ નારાયણી ભાટિયા ભાગ લેશે.
કેબિનેટ સચિવ ડૉ. ટી.વી. સોમનાથન કાર્યશાળાનું સમાપન કરશે. આ અવસરે તેઓ આઈજીઓટી કર્મયોગી મંચ પર 'કર્મયોગી સંકલ્પ'ની શરૂઆત કરશે. આ અંતર્ગત દેશભરના સરકારી અધિકારીઓ પોતાના નેતૃત્વની પદ્ધતિઓમાં ચોક્કસ ફેરફાર લાવવાનો સંકલ્પ લેશે.
આ કાર્યશાળામાં આશરે 900 સહભાગીઓ સામેલ થવાની અપેક્ષા છે. તેમાંથી 250 સહભાગીઓ સીધા વિચાર-વિમર્શમાં ભાગ લેશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના 150 સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ તથા આકાંક્ષી જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો સામેલ થશે. આ ઉપરાંત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના 25 વિદ્યાર્થીઓ અને મુખ્ય સરકારી યોજનાઓના 50 સામુદાયિક ભાગીદારો અને લાભાર્થીઓ પણ ભાગ લેશે. કાર્યશાળાની કાર્યવાહી આઈજીઓટી કર્મયોગી મંચ પર પ્રસારિત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ